આમચી મુંબઈ

મુંબઈ મહાનગરપાલિકાનો રેઢિયાળ કારભાર

આ વર્ષના પ્રોપર્ટી ટૅક્સ બિલના ઠેકાણાં નથી અને જૂના ટેક્સ ભરવાની અપીલ કરતા હૉર્ડિંગ્સ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ઑક્ટ્રોય નાબૂત થયા બાદથી પ્રોપર્ટી ટેક્સ મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. અમુક કાયદાકીય અડચણને કારણે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પ્રોપર્ટી ટૅક્સના બિલ અત્યાર સુધી પાલિકા ટેક્સધારકોને મોકલી શકી નથી. તેથી હવે પાલિકાએ ડિફોલ્ટરો પાસેથી ટેક્સ વસૂલવા માટે કમર કસી છે, તે માટે મુંબઈના ઠેર ઠેર નાગરિકોને નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બાકી રહેલો પ્રોપર્ટી ટેક્સ ચૂકવી દેવાની અપીલ કરતા મોટા હૉર્ડિંગ્સ બેસાડેલા છે.


હાલ મુંબઈના અનેક મોટા જંકશનો પર પાલિકા દ્વારા નાગરિકોને નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટેનો બાકી રહેલો પ્રોપર્ટી ટેક્સ ચૂકવી દેવાની અપીલ કરી છે. હૉર્ડિંગ્સમાં આપેલી સૂચના મુજબ ૨૦૨૨-૨૩ (પહેલી એપ્રિલ- ૨૦૨૨થી ૩૧ માર્ચ, ૨૦૨૩)ના આર્થિક વર્ષની પ્રોપર્ટી ટેક્સ ભરવાની મુદત પૂરી થઈ ગઈ હોય એવા ટેક્સપેયરોને હવે દર મહિને લાગુ થનારી બે ટકા રકમ સહિત દંડની ચક્રવૃદ્ધિ વ્યાજની રકમ ટાળવા માટે અથવા જપ્તીની કાર્યવાહી ટાળવા માટે પ્રોપર્ટી ટેક્સ ભરી દેવાની અપીલ કરવામાં આવી છે.


પાલિકાના ઉચ્ચ અધિકારીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મુજબ પ્રોપર્ટી ટેક્સ પાલિકાનો આવકનો મુખ્ય સ્ત્રોત્ર ગણાય છે. અમુક કાયદાકીય અડચણને કારણે ચાલુ નાણાકીય વર્ષ માટેના બિલ આઠ મહિના બાદ પણ ટેક્સધારકોને મોકલી શકી નથી. તેથી હવે પાલિકાએ ડિફોલ્ટરો પાસેથી બાકી રહેલો ટેક્સ વસૂલી પર ધ્યાન આપી રહી છે, જે માટે નાગરિકોને અપીલ કરવા હૉર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.


નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ પાલિકાએ શુક્રવાર પહેલી ડિસેમ્બરથી નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે કરદાતાઓને ૧૦ ટકા વધારા સાથેના કામચલાઉ બિલ મોકલવાનું ફરી શરૂ કરવામાં આવશે એવું જણાવ્યું હતું. જોકે હજી સુધી બિલ મોકલવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. એ બાબતે ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે પહેલી ડિસેમ્બરથી બિલ મોકલવાના હતા. પરંતુ થોડો વિલંબ થયો છે અને વચ્ચે શનિવાર-રવિવારની રજા પણ આવી ગઈ છે. જોકે આવતા અઠવાડિયાથી બિલ મોકલવાનું ચાલુ કરી દેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button