ઘાટકોપરમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા આવેલા રીઢા આરોપીઓ શસ્ત્રો સાથે પકડાયા
મુંબઈ: ઘાટકોપરમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા માટે આવેલી ટોળકીના ત્રણ રીઢા આરોપીને ઘાટકોપર પોલીસે ઘાતક શસ્ત્રો સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીની ઓળખ રાજેશ બબન કદમ, મહાવીર જોરાસિંહ કુમાવત અને હાપુરામ પ્રકાશરામ રાજપુરોહિત તરીકે થઇ હોઇ તેમના બે ફરાર સાથીદારની પોલીસ શોધ ચલાવી રહી છે.
ઘાટકોપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ 9 ફેબ્રુઆરીએ મોડી રાતે ઘાટકોપર પશ્ર્ચિમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે એમ.જી. રોડ પર જ્વેલર્સની દુકાનની નજીક ટોપી અને મોઢા પર માસ્ક પહેરીને ઊભેલા અને શંકાસ્પદ હિલચાલ કરી રહેલા બે શખસ પર તેમની નજર પડી હતી, જ્યારે તેમના ત્રણ સાથી ખાનગી બેન્ક નજીક કારમાં હાજર હતા.
દરમિયાન પોલીસ ટીમે કારને ઘેરી લઇને ત્રણેય જણને તાબામાં લીધા હતા, જ્યારે ઉપરોક્ત બંને શખસ અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયા હતા. પોલીસે ત્રણેય આરોપીની તલાશી લેતાં તેમની પાસેથી ઘાતક શસ્ત્રો મળી આવ્યાં હતાં. આથી ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ એમ. જી. રોડ પર જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા માટે આવ્યા હતા, એવું પૂછપરછમાં જણાયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી રાજેશ કદમ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં 24 ગુના અને મહાવીર કુમાવત વિરુદ્ધ 13 ગુના દાખલ છે. આરોપી હાપુરામ રાજપુરોહિત વિરુદ્ધ ગુજરાતમાં અનેક ગુના દાખલ હોવાનું તપાસમાં જણાયું હતું.