PHD કરવાનું મહારાષ્ટ્રીયનોને લાગ્યું ઘેલુંઃ રજિસ્ટ્રેશનમાં થયો નોંધપાત્ર વધારો
મુંબઈ/નવી દિલ્હી: છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મહારાષ્ટ્રમાં પીએચડી માટે નોંધણી કરનાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધનીય વધારો થયો હોવાનું એક સર્વેક્ષણમાં જણાવ્યું છે. શૈક્ષણિક વર્ષ 2017-18માં 9,206 વિદ્યાર્થીએ પીએચડી માટે નોંધણી કરાવી હતી, જ્યારે આ સંખ્યા વધીને વર્ષ 2021-22માં 17,832 થઇ ગઇ હતી.
રાજ્યમાં પીએચડી કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓની સંખ્યામાં 93 ટકાનો વધારો થયો છે, જ્યારે આખા દેશમાં પીએચડી માટે નોંધણી કરનાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલા વધારાની ટકાવારી માત્ર 32 ટકા જેટલી વધી છે, જે મહારાષ્ટ્ર કરતાં સરખામણીએ ઘણી ઓછી છે.
દિલ્હીમાં ઓલ ઇન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણના આંકડા રજૂ કરવામાં આવ્યા ત્યારે આ ખુલાસો થયો હતો. રાષ્ટ્રીય સ્તરે 2,12,568 વિદ્યાર્થીએ વર્ષ 2021-22માં પીએચડીના કોર્સ માટે નોંધણી કરાવી હતી. પાંચ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2017-18માં આ આંકડો 1,61,412 હતો.
રસપ્રદ વાત એ છે કે મહારાષ્ટ્રમાં પીએચડી કોર્સ માટે નોંધણી કરાવનાર વિદ્યાર્થીઓમાં મહિલા કરતાં પુરુષોની સંખ્યા વધુ હતી. 2021માં 10,115 પુરુષોએ પીએચડીના કોર્સ માટે નોંધણી કરાવી હતી. તેની સામે માત્ર 7,717 મહિલાઓએ નોંધણી કરાવી હતી. 2017-18માં પીએચડી કોર્સ માટે નોંધણી કરાવનારા પુરુષો અને મહિલાઓની સંખ્યા અનુક્રમે 9,358 અને 6,393 હતી