આમચી મુંબઈ

રિવોલ્વરની ધાકે યુવતી પર બળાત્કાર કરનારો રીલ્સ સ્ટાર નાશિકમાં પકડાયો

મુંબઈ: ઍરપોર્ટ પર નોકરી અપાવવાની ખાતરી આપીને રિવોલ્વરની ધાકે યુવતી પર કથિત બળાત્કાર ગુજારવાના કેસમાં ફરાર રીલ્સ સ્ટાર આખરે નાશિકની એક હોટેલમાંથી પકડાયો હતો. આરોપી વિરુદ્ધ બળાત્કારના બે ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

થાણે પોલીસની ખંડણી વિરોધી શાખાએ પકડી પાડેલા આરોપીની ઓળખ સુરેન્દ્ર પાંડુરંગ પાટીલ (52) તરીકે થઈ હતી. ડોમ્બિવલી પૂર્વમાં ઠાકુર્લી નજીક રહેતા પાટીલને વધુ તપાસ માટે માનપાડા પોલીસના તાબામાં સોંપાયો હતો.

સુરેન્દ્ર પાટીલ તેની રીલ્સ અને શૉર્ટ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ઘણો પ્રખ્યાત છે. પાટીલ અને તેના ડ્રાઈવર વિરુદ્ધ નાશિકમાં રહેતી 19 વર્ષની યુવતીએ માનપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચાલુ વર્ષની 16 ફેબ્રુઆરીથી 29 માર્ચ દરમિયાન આરોપીએ કુકર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

આ પણ વાંચો: રિવોલ્વરની ધાકે યુવતી પર બળાત્કાર: રીલ્સ સ્ટાર અને તેના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો

યુવતીની ઓળખાણ ઈન્સ્ટાગ્રામ પર પાટીલ સાથે થઈ હતી. એક વાર પાટીલે યુવતીને તેની ઑફિસમાં બોલાવી હતી. ઑફિસમાં ગયેલી યુવતી સાથે આરોપીએ રિવોલ્વરની ધાકે દુષ્કર્મ આચર્યું હતું. તેણે યુવતીના વડીલોને મારી નાખવાની ધમકી સુધ્ધાં આપી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.

આ પ્રકરણે ગુનો નોંધાતાં પાટીલ ફરાર થઈ ગયો હતો. ખંડણી વિરોધી શાખાના ઈન્સ્પેક્ટર નરેશ પવાર અને એપીઆઈ સુનીલ તારમળેની ટીમે તપાસ કરતાં આરોપી નાશિકની હોટેલ સેલિબ્રેશનમાં સંતાયો હોવાનું જાણવા મળ્યું હતું. નાશિક પહોંચેલી પોલીસની ટીમે શુક્રવારે સ્થાનિક ઈન્દિરાનગર પોલીસની મદદથી આરોપીને પકડી પાડ્યો હતો. તેની વિરુદ્ધ ટિળકનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો નોંધાયેલો હોવાનું તપાસમાં જણાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button