Red Signal: જાણી લો મુંબઈ રેલવેના ‘મોસ્ટ ડેન્જરસ ડેથ સ્પોટ’?
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં ટ્રેક ક્રોસ કરતી વખતે ગયા વર્ષે લગભગ 1200 લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી રેલવે પ્રશાસને આપી હતી. રેલવે પ્રશાસન દ્વારા 2022-23માં રેલવે ટ્રેક કોર્સ કરતી વખતે થયેલા મોતના ચોંકાવનારા આંકડા મળ્યા છે. મુંબઈ સબર્બન રેલવેમાં હજુ પણ અમુક રેલવે સ્ટેશન સૌથી સંવેદનશીલ છે, જ્યાં સૌથી વધુ અકસ્માતનું પ્રમાણ રહે છે, જેથી ટ્રેક ક્રોસ કરતા ચેતવું જોઈએ, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ રેલવેનું નેટવર્ક ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે, જેથી રેલવે વિસ્તારમાં અનેક ઝૂપડપટ્ટીઓ આવેલી છે. આ વિસ્તારમાં રહેતા લોકો રેલવે ટ્રેક ઓળંગીને પ્રવાસ કરે છે, જેને લીધે આવી ઘટનાઓ વારંવાર બને છે. મુંબઈ રેલવેમાં દિવા, થાણે, કુર્લા, કલ્યાણ, ગોવંડી, દાદર સહિત બોરીવલી, વસઈ-વિરાર સહિત અન્ય સ્ટેશન અને તેની નજીકના વિસ્તાર ડેન્જરસ છે. દિવા સ્ટેશન નજીક લેવલ ક્રોસિંગ ગેટ-29 નજીક સૌથી વધારે આવી ઘટનાઓ બની હતી. 2023માં જાન્યુઆરીથી ઑગસ્ટ દરમિયાન 27 આ પ્રકારની ઘટનાઓ નોંધાઈ હતી. જેથી ‘ઝીરો ડેથ મિશન’ અભિયાન ચલાવ્યું હતું. જો ટ્રેક ક્રોસ કરવા માટે આ બાબત રેડ સિગ્નલ છે જેને બંધ કરવામાં આવે નહીં તો ત્યાં અકસ્માત સાથે મોત વધી શકે છે.
દિવા સ્ટેશનની વાત કરીએ તો ગેટ-29ને બંધ કરી પ્રવાસીઓ માટે એસ્કેલેટર્સ જેવી સુવિધાવાળો બ્રિજ નિર્માણ કરવામાં આવ્યો હતો. આ બ્રિજને લીધે વિસ્તારમાં ઑગસ્ટ 2023થી અત્યાર સુધી એક પણ મોત નહીં થયા નહોતા. રેલવે પ્રશાસન દ્વારા 2022-23માં રેલવે લાઇન ક્રોસ કરતી વખતે થયેલા મોતને આધારે હોટસ્પોટ વિસ્તારો જાહેર કર્યા હતા. આ વિસ્તારમાં પશ્ચિમ રેલવેના બોરીવલી, વસઇ અને મધ્ય રેલવેના કુર્લા અને થાણેમાં સૌથી વધારે અકસ્માત અને મોત થયા હતા. આ માહિતી મુજબ બોરિવલીમાં 2022-23ના મળીને કુલ 284, વસઇમાં 226, કુર્લામાં 219 અને થાણેમાં 288 લોકોના મોત થયા હોવાની માહિતી રેલવે અધિકારીએ આપી હતી.
રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે ટ્રેક કોર્સ કરતી વખતે થતાં અકસ્માતોને રોકવા માટે પ્રશાસન દ્વારા મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ (MUTP-3) હેઠળ કામકાજ શરૂ કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમમાં મિડ સેક્શન ટ્રેક પાસિંગ કંટ્રોલ અને સ્ટેશન પર ટ્રેસ પાસિંગ કંટ્રોલ કરવાની યોજના બનાવવામાં આવી હતી.
આ યોજના હેઠળ રેલવેના એમઆરવીસી દ્વારા પશ્ચિમ રેલવેમાં 19 અને મધ્ય રેલવેમાં 19 ફૂટઓવર બ્રિજ (એફઓબી)નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રેલવે દ્વારા આ પ્રોજેકટ હેઠળ રેલવે લાઇનમાં સુરક્ષા દીવાલનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે.
મુંબઈમાં કોવિડ-19ના પછી લોકડાઉન ખૂલતાં લોકલ ટ્રેનોને ફરીથી શરૂ કરવામાં આવી હતી, જેથી ટ્રેક કોર્સ કરતી વખતે થતાં અકસ્માતની સંખ્યામાં વધારો આવ્યો હતો. રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં 2023માં રેલવે લાઇન ક્રોસ કરતી વખતે 1,277 લોકોના મૃત્યુ થયા હતા અને 241 લોકો અકસ્માતમાં જખમી થયા હતા તેમ જ વર્ષ 2022માં પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેમાં આ આંકડો 1,118 હતો. આ બે વર્ષના આંકડાની સરખામણી 2018 સાથે કરીએ તો તે લગભગ 1,619 જેટલા હતા. રેલવે વિસ્તારમાં ટ્રેક કોર્સ કરતી વખતે આવી ઘટનામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે, એવું અધિકારીએ કહ્યું હતું.