શિપ મેનેજમેન્ટ કંપનીના એમડી પાસેથી ₹ ૧.૯૭ કરોડ વસૂલ્યા:
મુંબઈ: યુનાઇટેડ સ્ટેટ્સના પ્રદેશમાં જહાજ દ્વારા બિન-ઉપચારિત ગંદુ પાણી છોડવાનો વીડિયો મોકલીને તે વિશે દેશના કોસ્ટ ગાર્ડને જાણ કરવાની ધમકી આપી શિપ મેનેજમેન્ટ કંપનીના એમડી (મેનેજિંગ ડિરેક્ટર) પાસેથી ૧.૯૭ કરોડ રૂપિયાની ખંડણી વસૂલવા પ્રકરણે મરીન ડ્રાઇવ પોલીસે કંપનીના ભૂતપૂર્વ એન્જિનિયર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.કંપનીના એમડી દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે. શિપ મેનેજમેન્ટ કંપની દક્ષિણ મુંબઈના ચર્ચગેટ તેમ જ દિલ્હી અને સિંગાપોરમાં ઓફિસ ધરાવે છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે જૂન, ૨૦૨૨માં તેને અજ્ઞાત નંબર પરથી કૉલ આવ્યો હતો, જેમાં જહાજ મેક્સિકોથી યુએસ તરફ જતું હતું ત્યારે સમુદ્રમાં બિન-ઉપચારિત ગંદુ પાણી છોડવાનો વીડિયો યુએસ કોસ્ટ ગાર્ડને મોકલવાની ધમકી કૉલરે આપી હતી. કૉલરે પોતાની ઓળખ ઝારખંડના રહેવાસી તરીકે આપી હતી અને દાવો કર્યો હતો કે ગંદુ પાણી છોડીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કર્યો છે અને તેનો વીડિયો જાહેર નહીં કરવા ફરિયાદી પાસેથી રૂ. ૨.૫ લાખ ડોલર (રૂ. ૧.૯૭ કરોડ)ની માગણી કરી હતી.