પ્રોપર્ટી ટૅક્સની રેકોર્ડબ્રેક વસૂલી ટાર્ગેટ સામે ૧૦૨ ટકાની વસૂલાત: છેલ્લા દોઢ દાયકામાં સૌથી વધુ રકમ પ્રોપર્ટી ટૅક્સરૂપે મળી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૬,૨૦૦ કરોડ રૂપિયાના લક્ષ્યાંક સામે ૬,૩૮૮ કરોડ રૂપિયાનો રેકોર્ડબ્રેક પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કર્યો છે, જે ૨૦૧૦ની સાલ પછીનો એટલે કે છેલ્લા દોઢ દાયકા બાદનો સૌથી વધુ ટૅક્સ છે. છેલ્લા એક દાયકામાં પ્રોપર્ટી ટૅક્સમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી અને ૫૦૦ ચોરસ ફૂટ સુધીની મિલકતોને પ્રોપર્ટી ટૅક્સમાં છૂટ આપવામાં આવી હોવા છતાં પાલિકા આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં સફળ રહી છે.
પાલિકાએ શરૂઆતમાં પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવાનો લક્ષ્યાંક ૪,૯૫૦ કરોડ રૂપિયા નક્કી કર્યો હતો, જે પછી સુધારીને ૬,૨૦૦ કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો. એ અગાઉ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીમાં કુલ પ્રોપર્ટી ટૅક્સ વસૂલી માત્ર ૩,૧૯૫ કરોડ રૂપિયા થઈ હતી. જોકે પાલિકાના અસેસમેન્ટ એન્ડ કલેકશન ડિપાર્ટમેન્ટ દ્વારા મોટા ડિફોલ્ટરો સામે કરવામાં આવેલી આકરી કાર્યવાહીને પગલે આ વર્ષે પાલિકાની આવકમાં વધારો થયો છે. વધુમાં પાલિકાએ ટેક્સધારકો પાસેથી ૧૭૮ કરોડ રૂપિયા પણ વસૂલ કર્યા હતા, જેઓએ ટેક્સ ચૂકવવામાં વિલંબ કર્યો હતો. આ લોકો પાસેથી મહિને બે ટકાના હિસાબે ઈન્ટરેસ્ટ વસૂલ કરવામાં આવ્યું હતુંં.
પાલિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સૌથી વધુ આવક જી-દક્ષિણ વોર્ડ (વરલી, પ્રભાદેવી વિસ્તાર)માંથી ૬૨૪.૫૦ કરોડ રૂપિયા પ્રોપર્ટી ટૅક્સના વસૂલ્યા હતા. બીજા નંબરે કે-પૂર્વ(જોગેશ્ર્વરી અને અંધેરી પૂર્વ)માંથી ૫૬૮.૫૬ કરોડ રૂપિયા, એચ-પૂર્વ વોર્ડ (ખાર-સાંતાક્રુઝ)માંથી ૫૨૬.૬૪ કરોડ રૂપિયા, કે-પશ્ચિમ (અંધેરી પશ્ચિમ )માંથી ૫૦૫ કરોડ રૂપિયા વસૂલ્યા છે. તાજેતરના વર્ષોમાં પાલિકાને ટૅક્સ વસૂલીમાં ભારે પડકારોનો સામનો કરવો પડયો છે.
મુખ્યત્વે પ્રોપર્ટી ટૅક્સની વસૂલીમાં ઘટાડો ૫૦૦ ચોરસ ફૂટ સુધીની રહેણાંક મિલકતમાં આપવામાં આવેલી છૂટ અને ૨૦૧૫-૧૬માં ટેક્સ રિવિઝન કરવામાં આવ્યું ન હોવાનું ગણવામાં આવે છે. પ્રોપર્ટી ટૅક્સની ગણતરીમાં નવી પદ્ધતિ સાથે સંકળાયેલી કાયદાકીય ગૂંચવણને કારણે ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં પાલિકાને ટૅક્સ વસૂલીમાં ભારે તકલીફ થઈ હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર કેબિનેટે શહેરી વિસ્તારોમાં ઈ-બાઈક ટેક્સી માટેની નીતિને મંજૂરી આપી…
લેટ ફીમાં ઘટાડાનો પ્રસ્તાવ
પાલિકા દ્વારા હાલ પ્રોપર્ટી ટૅક્સ ભરવામાં વિલંબ કરનારા પાસેથી બે ટકા લેટ ફી વસૂલ કરે છે, જે વાર્ષિક ૨૪ ટકા ગણાય છે. કરદાતાઓ માટે આ રકમ બોજારૂપ બની શકે છે. તેથી પાલિકાએ રાજ્ય સરકારને લેટ ફીમાં એક ટકા ઘટાડો કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
છેલ્લા એક દાયકામાં વસૂલ કરવામાં આવેલો ટૅક્સ
વર્ષ | રૂપિયા |
૨૦૧૫-૧૬ | ૪,૮૪૭ |
૨૦૧૬-૧૭ | ૪,૮૪૭ |
૨૦૧૭-૧૮ | ૫,૦૮૭ |
૨૦૧૮-૧૯ | ૫,૦૪૦ |
૨૦૧૯-૨૦ | ૪,૧૫૯ |
૨૦૨૦-૨૧ | ૫,૧૧૪ |
૨૦૨૧-૨૨ | ૫,૭૯૧ |
૨૦૨૨-૨૩ | ૫,૫૭૫ |
૨૦૨૩-૨૪ | ૪,૮૫૯ |