આમચી મુંબઈમહારાષ્ટ્ર

શિંદે સરકારના 12 પ્રધાનોને પડતા મૂકવાના કારણો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં રાજ્યમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. આ સરકારનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ રવિવારે નાગપુરના રાજભવનમાં યોજાયું હતું. આમાં વરિષ્ઠ પ્રધાનોને પડતા મૂકવામાં આવ્યા હતા અને નવા નેતાઓને તક આપવામાં આવી હતી. મહાયુતિ સરકારના અઢી વર્ષના કાર્યકાળમાં પ્રધાનપદે રહેલા 12 જેટલા નેતાને નવી કૅબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા છે.

પ્રધાનપદ ન મળવાથી ઘણા નેતાઓ નારાજ છે. કેટલાક કાર્યકર્તાઓએ વિરોધ પણ કર્યો છે. તો ચાલો ટૂંકમાં જાણીએ કે કોણ છે તે બાર પ્રધાનો જેમને પડતા મૂકવામાં આવ્યા હતા અને તેમને કેબિનેટમાં સ્થાન ન આપવા પાછળના કારણો શું હોઈ શકે છે.

સુધીર મુનગંટીવાર

દરેકને અપેક્ષા હતી કે ભાજપના સિનિયર નેતા સુધીર મુનગંટીવાર પ્રધાન બનશે, પરંતુ ભાજપે મુનગંટીવારને પ્રધાન ન બનાવ્યા જેનાથી ભાજપના કાર્યકરો પણ ચોંકી ગયા હતા. મુનગંટીવાર વિદ્વાન નેતા તરીકે ઓળખાય છે. તેઓ વન, નાણાં જેવા વિવિધ ખાતાં સંભાળી ચુક્યા છે. મુનગંટીવાર લોકસભા ચૂંટણીમાં હાર્યા હતા. પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની તેમની ટીકા ખૂબ જ વિવાદાસ્પદ રહી હતી. આને લઈને વિપક્ષે ભાજપ માટે મૂંઝવણ ઉભી કરી દીધી હતી. 2023માં ભાજપના ચાર વિધાનસભ્યે આરોપ લગાવ્યો હતો કે પૈસા લઈને બદલીઓ કરવામાં આવે છે. તેથી, સુધીર મુનગંટીવારને કૅબિનેટના બદલે પાર્ટીના સંગઠનમાં જવાબદારી આપવામાં આવે તેવી શક્યતા છે.

વિજયકુમાર ગાવિત

ભાજપે વિજયકુમાર ગાવિતને પણ પડતા મૂક્યા છે. તાજેતરમાં ગાવિતની પુત્રી સુપ્રિયા ગાવિત પર કેન્દ્રીય કિસાન યોજનામાંથી 10 કરોડની સબસિડી લેવાનો આરોપ લાગ્યો હતો. વિપક્ષે આ મામલે ભાજપ પર આરોપ લગાવ્યો હતો. એવો આરોપ લગાવાયો હતો કે પ્રધાનપદનો દુરુપયોગ કરીને ગાવિતે કેન્દ્રીય કિસાન યોજનાના નાણાં દીકરીના ખાતા દ્વારા ડાયવર્ટ કર્યા હતા. સુપ્રિયા ગાવિત પર મનસ્વી વહીવટ ચલાવવાનો આક્ષેપ કરીને ભાજપ અને અન્ય પક્ષોના સભ્યોએ તેમની સામે જિલ્લા પરિષદમાં અવિશ્ર્વાસનો પ્રસ્તાવ માંડ્યો હતો. પાર્ટીની અંદર એવું કહેવામાં આવી રહ્યું હતું કે ગાવિતનું પ્રધાન તરીકેનું કામ અત્યંત સામાન્ય સ્તરનું હતું.

સુરેશ ખાડે

સાંગલી જિલ્લાના ભાજપના નેતા ખાડે અગાઉ રાજ્યકક્ષાના પ્રધાન અને એક વખત કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે, પરંતુ સુરેશ ખાડેને આ વર્ષે કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું કારણ કે તેમના પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન તેઓ નોંધપાત્ર કામગીરી કરી શક્યા ન હતા.

રવીન્દ્ર ચવ્હાણ

ભાજપના વરિષ્ઠ નેતા રવીન્દ્ર ચવ્હાણને પણ પ્રધાનપદ પરથી હટાવી લેવામાં આવ્યા હતા. ગઈ ચૂંટણીમાં રવીન્દ્ર ચવ્હાણ અને નારાયણ રાણે વચ્ચે સંઘર્ષ થયો હતો. ફડણવીસના નજીકના ગણાતા રવીન્દ્ર ચવ્હાણને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિશેષ જવાબદારી સોંપવામાં આવશે તેમ કહેવાય છે. તેથી રવીન્દ્ર ચવ્હાણને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

દીપક કેસરકર

કહેવાય છે કે દીપક કેસરકરને પ્રધાન ન બનાવવા પાછળ શિવસેના અને ભાજપ વચ્ચેનો આંતરિક વિખવાદ જવાબદાર રહ્યો હતો. કેસરકરની કાર્યશૈલીથી ભાજપના સ્થાનિક નેતાઓ નાખુશ હતા. જેથી તેઓને પડતા મુકાયા હોવાની ચર્ચા છે.

તાનાજી સાવંત

શિંદે સરકારમાં આરોગ્ય પ્રધાન તરીકે ફરજ બજાવતા તાનાજી સાવંતને નવી કેબિનેટમાં પડતા મૂકવામાં આવ્યા હતા. તાનાજી સાવંત હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આરોગ્ય વિભાગમાં કથિત ભ્રષ્ટાચારને લઈને વિપક્ષે મહાયુતિને ટાર્ગેટ બનાવ્યા હતા. બોગસ દવાઓનો વિવાદ થયો હતો. તેથી સમજી શકાય છે કે સાવંતનું પત્તું કટ થયું હોવાનું મનાય છે.

અબ્દુલ સત્તાર

અબ્દુલ સત્તાર મહાયુતિ સરકારમાં પ્રધાન હતા, પરંતુ વિવાદાસ્પદ નિવેદનો અને કેટલાક વિવાદાસ્પદ પ્રકરણોને કારણે સત્તારને બીજી તક મળી ન હતી. સત્તારના મતવિસ્તારમાં ભાજપના સ્થાનિક નેતાઓ સાથે તેમને સંઘર્ષ હતો. મુખ્ય પ્રધાન બદલવાની સત્તા મારી પાસે છે, એેવા તેમના નિવેદનને કારણે ભારે વિવાદ થયો હતો. તેમના પર વિદર્ભ અને મરાઠવાડામાં ગોચરની જમીનો હડપ કરવાનો આરોપ હતો. તેથી ફડણવીસ સત્તારને પ્રધાન બનાવીને નવો વિવાદ નથી ઈચ્છતા. તેથી તેઓને પડતા મૂકવામાં આવ્યા હતા.

છગન ભુજબળ

છગન ભુજબળ પર અગાઉ પણ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. તેઓ બે વર્ષ જેલમાં હતો. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ભુજબળ ફરી પ્રધાન બન્યા. છેલ્લા અઢી વર્ષમાં મરાઠાઓ અને ઓબીસી વચ્ચેના સંઘર્ષમાં ભુજબળ ચર્ચામાં આવ્યા હતા. ભુજબળે મનોજ જરાંગે પાટિલ સામે ઓબીસીની લડાઈ ઊભી કરવાનું કામ કર્યું હતું. ભુજબળના ઓબીસીતરફી વલણને કારણે ઘણી વખત તેમની પાર્ટી માટે મુશ્કેલી ઉભી થતી હતી. તેમાંથી ભુજબળને પડતા મૂકવામાં આવ્યા હોવાનું કહેવાય છે, પરંતુ છગન ભુજબળને પક્ષ તરફથી અલગ જવાબદારી અથવા રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી શક્યતા છે.

સંજય બનસોડે

એનસીપીના અજિત પવાર જૂથના નેતા સંજય બનસોડે તેમના પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન સારું પ્રદર્શન કરી શક્યા ન હોવાથી, તેમના સ્થાને પક્ષના અન્ય નવા નેતાને તક આપવામાં આવી છે.

દિલીપ વળસે-પાટીલ

ભૂતપૂર્વ પ્રધાન દિલીપ વળસે-પાટીલે આરોગ્યના કારણોસર અને મતવિસ્તારમાં વધુ સમય આપવા માટે પ્રધાનપદ લીધું ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમણે મહાયુતિ સરકારમાં સહકાર પ્રધાન તરીકે સેવા આપી હતી.

ધર્મરાવ બાબા અત્રામ

વિધાનસભા ચૂંટણીમાં ધર્મરાવ બાબા અત્રામે ચૂંટણીમાં શરદ પવારની સીધી ટીકા કરી હતી. પવાર સાહેબે મારી સામે દીકરીને ઉભી રાખીને રાજકીય જીવનની મોટી ભૂલ કરી છે. તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે બારામતીમાં મકાન તૂટ્યું, ઘર તોડવાનું કામ પવારે કર્યું. તેથી આ વર્ષની કેબિનેટમાં તેમને પડતા મૂકવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

અનિલ પાટીલ

ફડણવીસ સરકારની કેબિનેટમાં અનિલ પાટીલને કોઈ તક મળી નથી. એનસીપીમાં વિભાજન બાદ અનિલ પાટીલ અજિત પવારના જૂથમાં જોડાયા હતા. ત્યારબાદ તેમને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. પાર્ટી સંગઠનમાં અન્ય જવાબદારીઓને કારણે તેમને પ્રધાનપદ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button