રેડી રેકનર રેટમાં પાંચ ટકાનો વધારો થવાની શકયતા
પુણે: ગત વર્ષમાં રાજ્યમાં મકાનો અને પ્લોટની ખરીદીમાં ભારે ઉછાળો આવ્યો હતો. પણ, રેડી રેકનરના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો, પણ રિયલ્ટી ક્ષેત્રે તેજીના કારણે સરકારની નજર મહેસૂલ ઉપર હોય તેવી પૂરી શક્યતા
છે. તેથી, એવી સંભાવના છે કે નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી વિભાગ વર્ષ 2024-25 માટે રેડી રેક્નરના દરમાં પાંચ ટકાનો વધારો કરવા સરકારને દરખાસ્ત મોકલે. થોડા વર્ષો પહેલા રાજ્યમાં કોરોના સંકટના કારણે આર્થિક સ્થિતિ કથળી હતી. જેના કારણે રેડી રેકનર દરોમાં વધારો કરવામાં આવ્યો નહોતો. આ વર્ષે રેડી રેકનરના ભાવવધારાને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
રાજ્યમાં, નોંધણી અને સ્ટેમ્પના મહાનિરીક્ષક દ્વારા દર વર્ષે પહેલી એપ્રિલથી પુન:ગણતરીના નવા દરો જાહેર કરવામાં આવે છે. નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી વિભાગ દ્વારા આગામી સપ્તાહે ટાઉન પ્લાનિંગ વિભાગના નાયબ નિયામક અને મદદનીશ નિયામકની ત્રણ દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં આ દરોને અંતિમ રૂપ આપવામાં આવે તેવી શક્યતા છે.
આ સંદર્ભે જાન્યુઆરી માસમાં કલેક્ટર કચેરી ખાતે ટાઉન પ્લાનિંગ વિભાગ અને રજિસ્ટે્રશન સ્ટેમ્પ ફી અંગે લોકપ્રતિનિધિઓની બેઠક બોલાવવામાં આવી હતી. માથે આવેલી ચૂંટણીને લઈને જનપ્રતિનિધિઓએ તે સભામાં જવાનું અવગણ્યું હતું. તે પછી, નોંધણી સ્ટેમ્પ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમના અભિપ્રાયો માંગવામાં આવશે. જેથી આ વર્ષે વધારો થશે કે કેમ તે અંગે ઉત્સુકતા છે. આ દરખાસ્ત રાજ્ય સરકારને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. તે પછી, પહેલી એપ્રિલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે, એમ અધિકારીઓએ પણ જણાવ્યું હતું.
નોંધનીય છે કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 11 મહિનામાં નોંધાયેલા દસ્તાવેજોની સંખ્યામાં વધારો થયો છે. 11 મહિનામાં રાજ્યને 42 હજાર કરોડની આવક થઈ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ખરીદ-વેચાણના વ્યવહારોમાં વધારો થયો છે. તેથી, જો આ વર્ષે તેમાં વધારો થશે, તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જગ્યાઓનું યોગ્ય વળતર મળશે.
એપ્રિલમાં મહારેરા કરશે બિલ્ડરોનું ગ્રેડિગ મેટ્રિક્સ
મુંબઈ: મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (મહારેરા) બિલ્ડરોનું ગ્રેડિગ મેટ્રિક્સ એપ્રિલ મહિનાથી શરૂ થવાનું છે. ગ્રેડિગ મેટ્રિક્સમાં બિલ્ડરોના તમામ પ્રોજેકટની દરેક માહિતી ખરીદનારને સરળતાથી મળશે, જેથી તેમને ઘર
ખરીદતા પહેલા પ્રોજેક્ટને લગતી દરેક માહિતી ગ્રાહકોને જાણવા મળવાની છે.
ઉલ્લેખનીય છે કે મહારેરાની સ્થાપના બાદ અંડર-ક્નસ્ટ્રક્શન પ્રોજેક્ટને લીધે ગ્રાહકો તેમાં રોકાણ કરીને અટવાઈ જાય છે. આ બાબતને ઓછી કરવા માટે મહારેરા દ્વારા ઉપાય યોજના કરવામાં આવી રહી છે. એક જાન્યુઆરી 2023 પછીના દરેક નોંધાયેલા પ્રોજેક્ટને પ્રથમ તબક્કામાં ગ્રેડિગ મેટ્રિક્સ હેઠળ સામેલ કરવામાં આવવાના છે ,જેના માટે મહારેરાએ એક પરિપત્ર પણ બહાર પાડ્યું છે.
મહારેરાની ગ્રેડિગ મેટ્રિક્સ આ ઉપાય યોજના હેઠળ મહારેરા હેઠળના દરેક બિલ્ડરોને તેમના પ્રોજેક્ટ વિશેનો રિપોર્ટ દર ત્રણ મહિને મહારેરા પાસે જમા કરાવવો પડે છે. આ પ્રક્રિયા સિવાય બિલ્ડીંગનું કામ કેટલા ટકા પૂર્ણ થયું છે, બિલ્ડિંગ માટે કેટલું ભંડોળ મળ્યું છે અને અત્યાર સુધીમાં બાંધકામ માટે કેટલો ખર્ચ થયો છે એ દરેક માહિતી પણ આ રિપોર્ટથી લોકોને મળશે, એવું એક અધિકારીએ કહ્યું હતું.
અધિકારીએ કહ્યું હતું કે લોકો તેમની જીવનભરની કમાણી જોડીને કોઈ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં રોકાણ કરે છે. અનેક વખત અંડર-ક્નસ્ટ્રક્શન પ્રોજેક્ટનું કામ રખડી પડતાં લોકો મુસીબતમાં મુકાય છે, જેથી આ સમસ્યાને દૂર કરવા માટે અને લોકોને ઘર ખરીદતી વખતે દરેક માહિતી મળે તે માટે મહારેરા પ્રયત્ન કરી રહ્યું છે.
મહેરરાની આ યોજનાથી લોકોને પ્રોજેક્ટ સામે ચાલી રહેલા દરેક કેસ અને અન્ય કોઈ મામલાની પણ માહિતી મળશે, જેથી તેઓ ઘર ખરીદતા પહેલા પ્રોજેક્ટની દરેક માહિતી જાણીને લોકો તેમાં રોકાણ કરી શકે. આ યોજનામાં લોકોની સમસ્યાઓને દૂર કરવા માટે બિલ્ડરો દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વ્યક્તિની માહિતી પણ હશે.
મહારેરા એક વર્ષમાં બે વખત બિલ્ડરો પાસેથી તેમના પ્રોજેક્ટની માહિતીને અપડેટ કરાવે છે. એક ઑક્ટોબરથી 31 માર્ચ સુધીની દરેક માહિતી હવે એપ્રિલ મહિનામાં અપલોડ કરવામાં આવવાની છે, જ્યારે એક એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીના સમયગાળા બાદ ઓક્ટોબરના અંતમાં તેને ફરીથી અપડેટ કરવામાં આવશે. મહારેરા ઓનલાઈન સિસ્ટમ સોફ્ટવેરની મદદથી આ માહિતીને વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે એવી માહિતી એક અધિકારીએ આપી હતી.