ઉદ્ધવ ઠાકરેના કાફલા પર હુમલા અંગે હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને આપી પ્રતિક્રિયા….
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ ઠાકરે પર થયેલા હુમલાનો બદલો વાળતા થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના સૈનિકો દ્વારા ઉદ્ધવ ઠાકરેના કાફલા પર કરવામાં આવેલા હુમલાના પ્રકરણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. શિંદેએ આ ઘટનાને ‘એક્શનનું રિએક્શન’ એટલે કે ક્રિયા સામેની પ્રતિક્રિયા ગણાવી હતી.
એક કાર્યક્રમ દરમિયાન શિંદેને આ ઘટના વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે આ બધુ શરૂ કોણે કર્યું? ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકર્તાઓએ રાજ ઠાકરેના કાફલાને ઔરંગાબાદમાં નિશાન બનાવ્યો હતો. આ તેમણે કરેલી ક્રિયા સામે આપવામાં આવેલી પ્રતિક્રિયા હતી.
આ ઘટના મુદ્દે શિંદે રાજ ઠાકરે પ્રત્યે સમર્થન ધરાવતા હોય એવું સ્પષ્ટપણે જણાયું હતું. તેમણે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા જણાવ્યું હતું કે જે લોકોએ શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે અને આનંદ દીઘેના વિચારોને તિતાંજલી આપી છે તેમની સાથે આવા પ્રકારની ઘટનાઓનો સામનો કરવો જ પડશે. શિવસેનાને બચાવવા માટે પોતે બળવો કરવો પડ્યો તેમ જણાવતા શિંદેેએ કહ્યું હતું કે શિવસેનાનું નામ અને તેના ચિહ્નને બચાવવા માટે અમારે એ નિર્ણય લેવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બીડ ખાતે રાજ ઠાકરેના કાફલા પર ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના કાર્યકરોએ સોપારી ફેંકીને હુમલો કર્યો હતો. જેનો વળતો જવાબ આપવા મનસે સૈનિકોએ ઉદ્ધવના કાફલાને થાણેમાં નિશાન બનાવ્યો હતો અને તેના પર નાળિયેર, બંગડીઓ, ટામેટાં તેમ જ ગોબર ફેંક્યું હતું.