આરબીઆઇને મળ્યો ધમકીભર્યો ઇમેઇલ મુંબઈમાં ૧૧ સ્થળે બોમ્બ મુકાયા હોવાનો દાવો
આરબીઆઇના ગવર્નર સહિત કેન્દ્રીય નાણાપ્રધાનનાં રાજીનામાંની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આરબીઆઇ (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા)ની મુંબઈની ઓફિસ સહિત ૧૧ સ્થળે બોમ્બ મુકાયા હોવાની ધમકી આપતો ઇમેઇલ મળતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઇમેઇલમાં ભારતના ઇતિહાસનું અત્યાર સુધીનું સોથી મોટું કૌભાંડ થયું હોવાનો દાવો કરી આરબીઆઇના ગર્વનર સહિત કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનનાં રાજીનામાંની માગણી કરવામાં આવી હતી. એમઆરએ માર્ગ પોલીસે આ પ્રકરણે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોઇ સાયબર સેલ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે.
ખિલાફત ઇન્ડિયાની આઇડી પરથી મંગળવારે સવારના ૧૦.૫૦ વાગ્યે આરબીઆઇને એક ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે અમે મુંબઈમાં ૧૧ સ્થળે બોમ્બ પ્લાન્ટ કર્યા છે. આરબીઆઇ અને ખાનગી ક્ષેત્રની બેન્કોએ ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ કર્યું છે, જેમાં આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસ, નિર્મલા સીતારામન તથા અન્ય લોકો સંકળાયેલા છે. જેના અમારી પાસે મજબૂત પુરાવા છે.
આરબીઆઇનું ફોર્ટ સ્થિત કાર્યાલય, ચર્ચગેટનું એચડીએફસી હાઉસ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આઇસીઆઇસીઆઇ બેન્ક ટાવર્સમાં બોમ્બ મુકાયા હોવાનું ઇમેઇલમાં જણાવીને સીતારામન અને દાસનાં રાજીનામાંની માગણી કરવામાં આવી હતી અને માગણી પૂરી ન થાય તો બપોરે દોઢ વાગ્યા બાદ એક પછી એક ૧૧ સ્થળે બોમ્બબ્લાસ્ટ થશે, એવી ધમકી અપાઇ હતી.
દરમિયાન ધમકીભર્યો ઇમેઇલ અંગે પોલીસને કરવામાં આવી હતી, જેને પગલે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ) તથા ડોગ સ્કવોડની મદદથી પોલીસ ટીમ દ્વારા સંબંધિત સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. જોકે તપાસમાં ત્યાંથી કોઇ પણ વાંધાજનક કે વિસ્ફોટક વસ્તુ મળી આવી નહોતી.
દરમિયાન આરબીઆઇના હેડ ગાર્ડ સંજય પવારે આ પ્રકરણે એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મુંબઇ પોલીસ ક્ધટ્રોલ રૂમને બોમ્બની ધમકીના અનેક કૉલ આવતા હોય છે. અમુક સંસ્થાઓને પણ ધમકીભર્યા ઇમેઇલ આવે છે. જોકે આમાંના મોટા ભાગના કૉલ બોગસ હોવાનું તપાસમાં જણાયું છે. પોલીસે આવા કૉલ કરનાર અનેક લોકોની ધરપકડ પણ કરી છે.