રાયગડના દરિયાકાંઠાના વિસ્તારમાં રજિસ્ટ્રેશન વિનાની 1,000થી વધુ બોટ કાર્યરત: પોલીસ
શંકાસ્પદ પાકિસ્તાની જોવા મળ્યા બાદ સર્ચ ઓપરેશન વખતે આ વાત સામે આવી

મુંબઇ: રાયગડ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં યોગ્ય નોંધણી વિનાની 1,000થી વધુ બોટ કાર્યરત હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. તાજેતરમાં રાયગડના કોરલાઇ કિલ્લા નજીક અરબી સમુદ્રમાં તાજેતરમાં શંકાસ્પદ પાકિસ્તાની બોટ કોસ્ટ ગાર્ડના રડાર પર આવ્યા બાદ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન આ વાત પ્રકાશમાં આવી હતી.
રાયગડ પોલીસે શંકાસ્પદ પાકિસ્તાની બોટને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે જિલ્લાના દરિયાકાંઠે નોંધણી વિનાની 1,000થી વધુ બોટ કાર્યરત છે, એમ રાયગડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આંચલ દલાલે કહ્યું હતું.
આપણ વાંચો: રાયગડ નજીક દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતાં સુરક્ષા વધારાઈ
પોલીસે આ નોંધણી વિનાની બોટની યાદી તેમના માલિકો સામે જરૂરી કાર્યવાહી માટે મત્સ્યોદ્યોગ વિભાગને સુપરત કરી છે, એમ તેમણે જણાવ્યું હતું. દરિયાકાંઠાની સુરક્ષા અને માછીમારોના રક્ષણ માટે બોટનું રજિસ્ટ્રેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જો માછીમારો માછીમારી કરવા જાય ત્યારે કોઇ કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસે તેમની બોટને ટ્રેસ કરવી જોઇએ અને મધદરિયે મુશ્કેલીના સમયે તેમને યોગ્ય સહાય પૂરી પાડવી જોઇએ, એમ પણ આંચલ દલાલે કહ્યું હતું.
આપણ વાંચો: રાયગડની પોલિક્લિનિકમાં ગર્લફ્રેન્ડની હત્યા કરી યુવાને પણ જીવન ટૂંકાવ્યું
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે (આઇસીજી) રવિવારે રાતે પોલીસને જાણ કરી હતી કે કોરલાઇ કિલ્લા પાસે શંકાસ્પદ પાકિસ્તાની બોટ મુકદર બોયા 99, જેનો નંબર એમએમએસઆઇ-463800411 હતો, જોવા મળી હતી.
તેને ફિશિંગ નેટ બૉય તરીકે ઓળખવામાં આવી હતી, જે એઆઇએસ ટ્રાન્સપોંડર સાથે ભારતીય દરિયામાં તણાઇ ગઇ હતી. ફિશિંગ બૉયની હજી પણ ચાલી રહી છે, એમ દલાલે વધુમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર, 2008માં પાકિસ્તાનથી 10 આતંકવાદી દરિયાઇ માર્ગે બોટમાં મુંબઈ પહોંચ્યા હતા. તેમણે મુંબઈમાં વિવિધ સ્થળે હુમલા કર્યા હતા, જેમાં 166 લોકોનાં મોત થયાં અને ઘણા લોકો ઘાયલ થયા હતા. (પીટીઆઇ)