ઇડીના રડાર પર રહેલા રવીન્દ્ર વાયકર આખરે શિંદેની શિવસેનામાં
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના રડાર પર રહેલા ઠાકરે જૂથના વિધાનસભ્ય રવીન્દ્ર વાયકર રવિવારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના પાર્ટીમાં જોડાયા હતા. રવીન્દ્ર વાયકર મુંબઈના જોગેશ્વરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારના વિધાનસભ્ય છે. રવીન્દ્ર વાયકર પર જોગેશ્વરીમાં અનામત જમીન પર પરવાનગી લીધા વિના ગેરકાયદેસર રીતે હોટલ બનાવવાનો આરોપ છે. લોકસભાની ચૂંટણીમાં વાયકરનો
શિંદે જૂથમાં પ્રવેશ ઠાકરે માટે આંચકો છે. ઠાકરે જૂથે પણ વારંવાર દાવો કર્યો હતો કે કેટલાક દિવસથી રવીન્દ્ર વાયકર પર પક્ષ બદલવાનું ઘણું દબાણ છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેદાન માટે આરક્ષિત 8,000 ચોરસ મીટરના પ્લોટ પર ફાઈવ સ્ટાર હોટલના ગેરકાયદે બાંધકામના સંબંધમાં શિવસેના ઉદ્ધવ જૂથના વિધાનસભ્ય રવીન્દ્ર વાયકરની તપાસ ઇડી દ્વારા ચાલી રહી છે. રવીન્દ્ર વાયકરને છેતરપિંડી કરીને ફાઇવ સ્ટાર હોટલ બનાવવાના કેસમાં ધરપકડનો ડર હતો. તેમણે લાગણી વ્યક્ત કરી હતી કે મેં કોઈ ખોટું કામ કર્યું નથી પરંતુ તેમ છતાં રાજકીય કારણોસર મારી તપાસ થઈ રહી છે. વાયકર એ મૂંઝવણમાં હતાં કે જેલમાં જવું કે શિંદે જૂથમાં જોડાવું? આવી લાગણી તેમણે કેટલાક પદાધિકારીઓ સમક્ષ વ્યક્ત કરી હોવાનું કહેવાય છે.
રવીન્દ્ર વાયકર પર દબાણ હતું: રાઉતનો દાવો
`અમારા સાથી શિવસેનાના નેતા વિધાન સભ્ય રવીન્દ્ર વાયકર છેલ્લા કેટલાક દિવસોથી ઇડીની તપાસને કારણે ભારે દબાણ હેઠળ હતા. આગામી થોડા દિવસોમાં શિવસેના છોડી દો, અથવા જેલમાં જાવ એવી ધમકી આપવામાં આવી રહી હતી. આ આતંકવાદ છે. આ પ્રકારનું રાજકારણ પહેલા ક્યારેય થયું નથી’ એમ સાંસદ સંજય રાઉતે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું.