રવિ રાજા પક્ષપ્રવેશ સાથે જ મુંબઈ ભાજપના વાઈસ પ્રેસિડેન્ટ બન્યા
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો આપતા, મુંબઈ કોંગ્રેસના નેતા અને લાંબા સમયથી કોર્પોરેટર તેમ જ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીજીએમ)માં વિરોધ પક્ષના નેતા, રવિ રાજાએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી અને ગુરુવારે ભાજપમાં જોડાયા. વર્ષોથી સખત મહેનત કરવા છતાં સાયન કોલીવાડા મતવિસ્તારમાંથી ટિકિટ નકારવા બદલ પાર્ટી નેતૃત્વથી નારાજ, રાજાએ બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ પાર્ટી છોડી રહ્યા છે.
આ પણ વાંચો: અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસમાં શ્રીમંત કોણ?
ગુરુવારે તેઓ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારની હાજરીમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. પાર્ટીમાં જોડાતાની સાથે જ રાજાને મુંબઈ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રાત્રે બાર વાગ્યે બંધ દરવાજે દેવેન્દ્ર ફડણવીસ અને અંબાણી પુત્રની મુલાકાત? કંઈ નવાજૂનીના એંધાણ
રવિ રાજા વિદ્વાન અને મહેનતુ નેતા: ફડણવીસ
રાજા એક વિદ્વાન, મહેનતુ નેતા છે. તેમની પાસે બૃહન્મુંબઈ વીજળી પુરવઠા અને પરિવહન (બેસ્ટ) સમિતિમાં 23 લાંબા વર્ષો સુધી સેવા આપવાનો રેકોર્ડ છે, તેમણે પાલિકામાં વિપક્ષી નેતા તરીકે સેવા આપી છે. અમને આનંદ છે કે આવા વરિષ્ઠ નેતા અમારી સાથે જોડાઈ રહ્યા છે, એમ ફડણવીસે કહ્યું હતું.
રાજા, પાંચ વખતના કોર્પોરેટર, સાયન કોલીવાડા મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસની ટિકિટ મેળવવા ઈચ્છતા હતા. જો કે, રાજ્યના કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ તેમને સમર્થન આપ્યું હોવા છતાં, પાર્ટી હાઈકમાન્ડે તેમના દાવાને અવગણ્યા હતા. 2019 ની વિધાનસભા ચૂંટણીમાં 14,000 થી વધુ મતોના માર્જિનથી ભાજપના કેપ્ટન તમિલ સેલ્વન સામે હારી ગયા હોવા છતાં કોંગ્રેસે ગણેશ યાદવને ફરીથી આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા.
રાજા જ્યારે પાર્ટીમાં જોડાયા ત્યારે સાયન કોલીવાડાના વર્તમાન વિધાનસભ્ય કેપ્ટન તમિલ સેલ્વન પણ હાજર હતા, જેમને ભાજપ દ્વારા ફરીથી ઉમેદવારી આપવામાં આવી હતી. રવિ રાજાની સાથે તેમના કેટલાક સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા.