ચૂંટણી પંચના કમિશનરના રાજીનામા મુદ્દે રાઉતે કેન્દ્ર સરકાર પર તાક્યું નિશાન…
મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ને લઈને દેશમાં દરેક પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી છે ત્યારે ગઈકાલે ચૂંટણી પંચના કમિશનર અરુણ ગોયલે અધ્યક્ષપદેથી રાજીનામું આપતા દેશમાં ખળભળાટ મચી ગયો છે. ગોયલના રાજીનામા બાદ યુબીટી (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.
સંજય રાઉતે કેન્દ્ર સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું નૈતિકતાના મુદ્દે નહીં, પણ તેમની નિમણૂક જ અનૈતિક રીતે થઈ હતી. તેથી રાજીનામું આપવાની નોબત આવી છે. આવી વ્યક્તિ નૈતિકતા માટે કેમ રાજીનામું આપી શકે છે.
ગોયલની જેમણે નિમણૂક કરી હતી તેમને જ તેમના પદપરથી દૂર કર્યા છે અને તે જ પદ પર બીજી કોઈ વ્યક્તિ આવશે. ચૂંટણીપંચ હવે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની એક શાખા તરીકે કામ કરી રહ્યું છે. ટીએન શેષન (પૂર્વ ચૂંટણી કમિશનર)ના કાર્યકાળના જેવું હવે ચૂંટણી પંચ રહ્યું નથી.
સંજય રાઉતે આગળ કહ્યું હતું કે ચૂંટણીપંચ ભાજપના મોટા નેતાઓના આદેશ પર કામ કરી રહ્યું છે. આ વાત શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના અલગ થયા બાદ સાબિત થઈ હતી. ભાજપના આદેશ પર પક્ષપલટા વિરોધીના કાયદાને ફગાવી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ નિર્ણયથી ભાજપ કઈ રીતે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહ્યું છે એ સાબિત થાય છે અને ચૂંટણી કમિશનર અરુણ ગોયલે જે રીતે ઉતાવળમાં રાજીનામું આપ્યું છે એ મોદી-શાહનું કોઈ નવું કાવતરું હશે, એવું પણ રાઉતે જણાવ્યું હતું.