રાજ્યમાં રેશનના દુકાનદારો આજથી અચોક્કસ મુદત માટે હડતાળ પર
મુંબઇ: ઓલ મહારાષ્ટ્ર સ્ટેટ સસ્તા અનાજના દુકાનદારો અને છૂટક કેરોસીન લાઇસન્સ ફેડરેશન વિવિધ પડતર માંગણીઓ માટે રાષ્ટ્રીય સ્તરે ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશન દ્વારા બોલાવવામાં આવેલી અનિશ્ર્ચિત હડતાલમાં જોડાયું છે. તેથી, પુણે સહિત મહારાષ્ટ્રમાં રેશનના દુકાનદારો પહેલી જાન્યુઆરીથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે. રેશનના દુકાનદારોને માર્જિન આવકની બાંયધરી ૫૦ હજાર, માર્જિન મની ૩૦૦ રૂપિયા, ૨જીના બદલે ૪જી મશીન, જૂના નિયમોમાં ફેરફાર કરવા, સુખી રાશન કાયમી ધોરણે લાગુ કરવા અને ડુંગળી, ચણાની દાળ, તુવેર દાળ, મગની દાળ જેવી વસ્તુઓ રાશનની દુકાનોમાં ઉપલબ્ધ કરાવવાની માંગણીઓ માટે આ આંદોલનનું આહ્વાન કરાયું છે. પુણે શહેર રેશન શોપકીપર્સ એસોસિયેશનના પ્રમુખ ગણેશ ડાંગીએ જણાવ્યું હતું કે પુણે અને મહારાષ્ટ્રના રેશનના દુકાનદારો આ માટે હડતાળ પર જશે. રાજ્યમાં લગભગ ૫૩ હજાર વાજબી ભાવની દુકાનો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમની પડતર ન્યાય માંગણીઓ પ્રત્યે ઉદાસીન છે. આંદોલન અને કૂચની સરકારે નોંધ લીધી નહોતી. ફેડરેશનના નિવેદનની નોંધ લેતા સરકારે સચિવની અધ્યક્ષતામાં શિયાળુ સત્ર દરમિયાન નાગપુરમાં પદાધિકારીઓની બેઠક યોજી હતી. તેમાં માત્ર વચનો આપવામાં આવ્યા હતા. પરંતુ કોઈ નિર્ણય લેવાયો નહોતો. તેથી ફેડરેશન વતી ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશન દ્વારા ૧ જાન્યુઆરીથી બોલાવવામાં આવેલી હડતાળમાં સહભાગી થવાનું નક્કી કરવામાં આવ્યું છે. મહાસંઘ દ્વારા રાજ્યના તમામ સસ્તા અનાજના દુકાનદારોને આ આંદોલનમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે. આ સમયગાળા દરમિયાન દુકાનદારોએ તેમની દુકાનોમાં ઈ-પીઓએસ મશીન ચલાવવું જોઈએ નહીં. પુણે સિટી રાશન શોપકીપર્સ એસોસિએશનના પ્રમુખ ગણેશ ડાંગીએ જણાવ્યું હતું કે તેઓએ કોઈપણ રીતે અનાજ ઉપાડવું અને વિતરણ કરવું જોઈએ નહીં.