રતન ટાટાના હાલ સાયરસ મિસ્ત્રી જેવા થશે:ધમકી આપનારો સ્કિઝોફ્રેનિયાનો દર્દી
મુંબઈ: ઉદ્યોગપતિ રતન ટાટાની સુરક્ષા વધારવાની ચેતવણી આપી તેમના હાલ ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રી જેવા કરવાની કથિત ધમકી આપનારા શખસને પોલીસે પુણેમાં શોધી કાઢ્યો હતો. પોલીસ ક્ધટ્રોલ રૂમમાં ધમકીભર્યો કૉલ કરનારો શખસ સ્કિઝોફ્રેનિયાથી પીડાતો હોવાથી પોલીસે તેની સામે કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ પોલીસના ક્ધટ્રોલ રૂમના નંબર પર શુક્રવારે એક શખસે કૉલ કર્યો હતો. રતન ટાટાની સુરક્ષા વધારો, નહીંતર તેમની સાથે પણ સાયરસ મિસ્ત્રી જેવી થશે, એવી ધમકી કૉલ કરનારા શખસે આપી હતી.
ધમકીભર્યા કૉલને ગંભીરતાથી લઈ પોલીસની એક ટીમે રતન ટાટાની સુરક્ષાવ્યવસ્થાની સમીક્ષા કરી, જ્યારે બીજી ટીમ કૉલ કરનારાની શોધમાં લાગી હતી. પોલીસે જે મોબાઈલ નંબર પરથી કૉલ આવ્યો હતો તેના પર ફોન કર્યો હતો. જોકે એ નંબર સ્વિચ ઑફ્ફ આવતો હતો. પોલીસે નંબરને ટ્રેસ કરતાં તે કર્ણાટકમાં હોવાનું જણાયું હતું.
એક અધિકારીના જણાવ્યા મુજબ મોબાઈલ નંબર પુણેના સરનામે રજિસ્ટર હોવાથી પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કૉલ કરનારો શખસ સ્કિઝોફ્રેનિયાનો દર્દી છે અને પાંચ દિવસ અગાઉ ઘરથી નીકળ્યા પછી ગુમ થઈ ગયો છે. આ અંગે તેની પત્નીએ ભોંસરી પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ પણ નોંધાવી હતી.
નોંધનીય છે કે ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રીનું સપ્ટેમ્બર, ૨૦૨૨માં કાર અકસ્માતમાં નિધન થયું હતું. ગુજરાતથી મુંબઈ તરફ આવી રહેલી કારને દહાણુ નજીક અકસ્માત નડ્યો હતો.