મેક્સિકન મહિલા ડિસ્ક જૉકી પર બળાત્કાર: મૅનેજરની ધરપકડ

મુંબઈ: કામ પરથી કાઢી મૂકવાની કથિત ધમકી આપી બાન્દ્રામાં મેક્સિકન મહિલા ડિસ્ક જૉકી (ડીજે) પર વારંવાર બળાત્કાર ગુજારવાના કેસમાં પોલીસે મૅનેજરની ધરપકડ કરી હતી.
બાન્દ્રા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહે મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે 35 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પણ ડીજે અને મૅનેજર હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદ અનુસાર 2019થી આરોપીએ વારંવાર મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. હાલમાં મુંબઈમાં રહેતી મહિલાની ઓળખાણ 2017માં સોશિયલ મીડિયા મારફત આરોપી સાથે થઈ હતી. જુલાઈ, 2019માં પહેલી વાર આરોપીએ બાન્દ્રામાં મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. બાદમાં શારીરિક સંબંધ રાખવાની મનાઈ કરી તો કામ પરથી કાઢી મૂકવાની ધમકી આપી આરોપીએ વારંવાર તેનું જાતીય શોષણ કર્યું હતું, એવો આક્ષેપ મહિલાએ કર્યો હતો.
મહિલાએ આક્ષેપ કર્યો હતો કે તેમની અંગત તસવીરોને આધારે આરોપી બ્લૅકમેઈલ કરતો હતો. આરોપી તેને અશ્ર્લીલ તસવીરો પણ મોકલતો હતો. 2020માં બીજી મહિલા સાથે લગ્ન થઈ ગયાં હોવા છતાં આરોપી મહિલા સાથે અશ્ર્લીલ સંવાદો ચાલુ રાખ્યા હતા. આ પ્રકરણે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 376, 377, 354 અને 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.