દહિસરમાં 14 વર્ષની સગીરાનો વિનયભંગ: આરોપી 36 કલાકમાં પ્રયાગરાજમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહિસરમાં દુકાનેથી ખરીદી કરી ઘરે જઈ રહેલી 14 વર્ષની સગીરાનો કથિત વિનયભંગ કરી ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે 36 કલાકમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતેથી પકડી પાડ્યો હતો.
એમએચબી કૉલોની પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મોહમ્મદ જીશાન મોહમ્મદ મુસ્લિમ (21) તરીકે થઈ હતી. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 74 અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના રવિવારની રાતે બની હતી. દહિસર પશ્ર્ચિમમાં રહેતી સગીરા કરિયાણાની દુકાનેથી પાછી ફરી રહી હતી ત્યારે અંધારાનો લાભ ઉઠાવી આરોપીએ તેની સાથે અશ્ર્લીલ ચેનચાળા કર્યા હતા. ડરી ગયેલી સગીરાએ ઘરે જઈ માતાને બનેલી ઘટનાની જાણ કરી હતી અને પછી પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : બાંગ્લાદેશી મહિલાને દેહવેપાર માટે બે લાખમાં વેચી: આરોપીઓ સામે બળાત્કારનો ગુનો
પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આરોપી પાસે મોબાઈલ ફોન ન હોવાનું જાણવા મળ્યું હતું. તેના ગામના અમુક લોકો એન્ટોપ હિલ પરિસરમાં રહેતા હોવાનું જાણવા મળતાં પોલીસની એક ટીમે ત્યાં જઈને તપાસ કરી હતી. દરમિયાન આરોપીએ દહિસરમાં રહેતા ભાઈને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન કરીને તે બોરીવલીમાં હોવાની ખોટી માહિતી આપી હતી.
પોલીસે એ મોબાઈલ નંબરને ટ્રેસ કરતાં નાશિકમાં હોવાનું જાણવા મળ્યું હતું. સંબંધિત મોબાઈલનાં સાતથી આઠ લૉકેશન કાઢવામાં આવતાં તે ઉત્તર પ્રદેશ જતી ટ્રેનમાં મુસાફરી કરતો હોવાનો અંદાજ લાગ્યો હતો. આરોપી પ્રયાગરાજના દિબોહી ગામનો વતની હોવાથી પોલીસની એક ટીમ દિબોહી પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી છટકું ગોઠવી આરોપીને તાબામાં લેવાયો હતો