રણવીરસિંહે ડીપફૅક વીડિયો બદલ પોલીસમાં નોંધાવી ફરિયાદ
મુંબઈ: રાજકીય પક્ષને સમર્થન આપતો હોય તેવી ડીપફૅક વીડિયો બદલ ફિલ્મ અભિનેતા રણવીર સિંહ દાદર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે. ગયા સપ્તાહે અભિનેતા આમિર ખાન સાથે પણ આવું જ બન્યું હતું.
વીડિયોમાં રણવીર કેસરી કુરતા અને વિવિધ ધાર્મિક ચિહ્નો સાથેની શાલમાં બતાવાયો છે અને શાસક પક્ષ રોજગારી પૂરી પાડવામાં, મોંઘવારી પર અંકુશ રાખવામાં અને પ્રગતિ કરવામાં અસક્ષમ હોવાનું બોલી રહ્યો છે. વીડિયોમાં તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ લેતો હોવાનું નજરે પડે છે. આ અંગે રણવીરની ટીમે દાદર પોલીસને લેખિત અરજી કરી છે.
ફરિયાદમાં જણાવાયું છે કે રણવીરે તાજેતરમાં વારાણસીમાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાંથી વીડિયો લેવાયો છે. જોકે ઑડિયો એઆઇ થકી નિર્માણ કરાયો છે. રણવીરે ક્યાંય પણ ડીપફૅક વીડિયોમાં બતાવ્યું છે તેવું નિવેદન કર્યું નથી.
વીડિયોના અંતમાં રણવીર લોકોને એવું કહેતો સંભળાય છે કે તેમણે ન્યાય માટે લડાઇ બંધ નહીં કરવી જોઇએ. બાદમાં રણવીર અલોપ થઇ જાય છે અને વોઇસઓવરમાં ન્યાય જોયતો હોય તો કૉંગ્રેસને મત આપો એવું કહે છે.
દાદર પોલીસે જણાવ્યું હતું કે રણવીરે સોમવારે અરજી આપી છે, જે મંગળવારે સાયબર પોલીસને તપાસ માટે સોંપવામાં આવી છે. વીડિયોમાં રાજકીય પક્ષને પ્રમોટ કરે છે અને તે ડીપફૅક છે. એ વીડિયોના ઉદ્ભવસ્થાનની તપાસ કરવામાં આવી રહી છે, જે પછી સંબંધિત સામે એફઆઇઆર દાખલ કરવામાં આવશે.
ઝોન-૫ના ડીસીપી તેજસ્વી સાતપુતેએ જણાવ્યું હતું કે મને આ સંબંધમાં લેખિત ફરિયાદ મળી છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. રણવીરે પોતે ઇન્સ્ટાગ્રામ પર આવા વીડિયોથી સતર્ક રહેવા માટે લોકોને અનુરોધ કર્યો છે.