અનિલ પરબને કોર્ટમાં લઈ જવાની રામદાસ કદમની ચેતવણી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (શિંદે) પક્ષના નેતા રામદાસ કદમે દશેરા રેલીમાં આરોપ લગાવ્યો હતો કે બાળાસાહેબ ઠાકરેના મૃત્યુ પછી, તેમના હાથના છાપ લેવા માટે તેમના પાર્થિવ શરીરને બે દિવસ માટે માતોશ્રીમાં રાખવામાં આવ્યું હતું. તેમના આરોપો બાદ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.
દરમિયાન, શિવસેના ઠાકરે જૂથના નેતા અનિલ પરબે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને રામદાસ કદમ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે રામદાસ કદમ સામે માનહાનિનો દાવો કરવાની ચેતવણી પણ આપી હતી.

બીજી તરફ હવે રામદાસ કદમે ફરીથી અનિલ પરબના આરોપોનો જવાબ આપ્યો છે અને બદનક્ષીનો દાવો કરવાની ચેતવણી આપી છે. રામદાસ કદમે કહ્યું હતું કે તેઓ બાળાસાહેબ ઠાકરેના પાર્થિવ શરીરની સીબીઆઈ તપાસ કરાવવા માટે મુખ્ય પ્રધાન ફડણવીસને પત્ર લખશે.
રામદાસ કદમની પત્ની સામે અનિલ પરબે કરેલા આરોપોનો પણ જવાબ આપ્યો હતો. રામદાસ કદમે જણાવ્યું હતું કે, ‘મારી પત્નીએ આત્મદહન કર્યું નહોતું, પણ ચૂલો ફાટ્યો હતો.’ મને લાગે છે કે અનિલ પરબ અડધો વકીલ હોવો જોઈએ. અનિલ પરબે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની બુદ્ધિ દર્શાવી છે.
મેં દશેરાની રેલીમાં વાત કરી હતી, જેમાં મેં એક ડોક્ટરનો ઉલ્લેખ કર્યો હતો. તે ડોક્ટર બાળાસાહેબ ઠાકરેની સારવાર કરી રહ્યા હતા. તો શું અનિલ પરબ તે ડોક્ટર સામે પણ માનહાનિનો દાવો કરવા જઈ રહ્યા છે? ‘મેં હવે નક્કી કર્યું છે કે હું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને સરકારને આ કેસમાં સીબીઆઈ તપાસ કરાવવાની માગણી કરીશ,’ એમ રામદાસ કદમે કહ્યું હતું.
તમે (અનિલ પરબ) આ બધું બંધ કરો, હું પાર્ટીમાં નવો નથી. તમે 50 વર્ષ શિવસેનામાં વિતાવ્યા છે. મને ખબર નથી કે તમે કેટલા વર્ષો માતોશ્રીમાં હતા. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે આ બદમાશો મારી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેને મારો ખુલ્લો પડકાર છે કે તેઓ આ વિશે બોલે. નહીંતર, મારે આ બધી ઘટનાઓની તપાસ કરાવવી પડશે, એવા શબ્દોમાં રામદાસ કદમે ચેતવણી પણ આપી હતી.
‘મારી પત્ની વિશેના તેમના નિવેદન અંગે પરબ વિરુદ્ધ કોર્ટમાં જઈશ’
અનિલ પરબે મારી પત્ની વિશે જે કહ્યું છે તેના વિરુદ્ધ હું કોર્ટમાં જઈશ. આ કેવા પ્રકારના લોકો છે, તેઓ કોઈની માતા કે પત્નીને બદનામ કરીને રાજકારણ કરે છે. બે ચૂલા હતા, જેમાંથી એકમાં સાડીમાં આગ લાગી અને તે ફાટ્યો હતો. પછી મેં મારી પત્નીને બચાવી હતી. તે પછી મારી પત્ની છ મહિના સુધી સારવાર હેઠળ હતી. જોકે, આ સંદર્ભે જે બદનક્ષી થઈ રહી છે તેના વિરુદ્ધ અમે તેમને કોર્ટમાં લઈ જઈશું, એમ રામદાસ કદમે જણાવ્યું હતું.
આ પણ વાંચો…27 હજાર જેટલા હીરાથી સુશોભિત બાળાસાહેબ ઠાકરેનું પોર્ટ્રેટ, ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસની ભેટ