પાકિસ્તાન પીઓકે સોંપવાનો ઇનકાર કરે તો ભારતે તેની સામે યુદ્ધ જાહેર કરવું જોઈએ: આઠવલે…

મુંબઈ: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું હતું કે જો પાકિસ્તાન ભારતને પીઓકે સોંપવાનો ઇનકાર કરે તો ભારતે તેની સામે યુદ્ધ જાહેર કરી દેવું જોઈએ, કારણ કે જ્યાં સુધી આ પ્રદેશ અસ્તિત્વમાં છે ત્યાં સુધી આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે.
રવિવારે અહીં નજીક લોનાવલામાં પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય સામાજિક ન્યાય ખાતાના રાજ્યકક્ષાના પ્રધાને પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી, જેમાં બાવીસમી એપ્રિલે છવીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
‘જ્યાં સુધી પીઓકે અસ્તિત્વમાં છે ત્યાં સુધી આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે, જો પાકિસ્તાન પીઓકે સોંપે નહીં, તો આપણે તેમની સામે યુદ્ધ જાહેર કરી દેવું જોઈએ, એમ આઠવલેએ પાડોશી દેશ પર બીજી સર્જિકલ સ્ટ્રાઈકની હાકલ કરતા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘પહેલગામ હુમલો ખૂબ જ નિંદનીય છે.’ તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓ વારંવાર એક જ રસ્તે ભારતમાં પ્રવેશ કરે છે. તેથી જ ભારતે પીઓકે પ્રદેશ પર કબજો જમાવવો જોઈએ. તેમણે ચેતવણી આપી કે પાકિસ્તાને આ વિસ્તાર ખાલી કરવો જોઈએ નહીં તો ભારત યુદ્ધ કરવામાં અચકાશે નહીં અને કેન્દ્ર આ બાબતે ગંભીર છે.
આઠવલેએ વિપક્ષને આ મુદ્દે સરકારને ટેકો આપવા વિનંતી કરી હતી. વિપક્ષે આપણી સાથે ઊભા રહેવું જોઈએ. ડો. બાબાસાહેબ આંબેડકરે આપણને આ જ શીખવ્યું છે, જરૂર પડ્યે રાષ્ટ્રની સાથે ઊભા રહેવાનું, એમ તેમણે કહ્યું હતું.
આઠવલેએ કહ્યું હતું કે, કલમ 370 રદ કર્યા પછી પ્રવાસીઓ મોટી સંખ્યામાં કાશ્મીરની મુલાકાત લેવા લાગ્યા. જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીમાં મતદાન લગભગ 60 ટકા હતું. આતંકવાદીઓ અને પાકિસ્તાન આ વિકાસથી ખુશ નહોતા. તેમણે કહ્યું કે, ભારત મજબૂત બની રહ્યું છે અને મુસ્લિમો સહિત જમ્મુ અને કાશ્મીરના લોકો રાષ્ટ્રની સાથે છે.
આપણ વાંચો : પહલગામના આતંકવાદીઓ કોમી રમખાણો કરાવવા માગતા હતા, લોકોએ એક રહેવું જોઈએ: ભુજબળ