પચીસમી જાન્યુઆરીથી દોડશે આસ્થા સ્પેશિયલ
રામભક્તોને ઐતિહાસિક દિવસની છે ઈંતેજારી
મુંબઈ: ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં અંદાજે ૫૫૦ વર્ષ બાદ બની રહેલા મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા અને મંદિરનું લોકાર્પણ બાવીસમી જાન્યુઆરીએ થવા જઇ રહ્યું છે. આ ઐતિહાસિક દિનની દેશ આખાના રામભક્તોને ઈંતેજારી છે અને એટલે જ ભગવાન રામનાં દર્શન થઇ શકે એ માટે ભાજપ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાન હેઠળ અંદાજે ૬૦ દિવસ સુધી દેશના વિભિન્ન ભાગોમાંથી આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેનમાં પ્રવાસ કરીને અંદાજે ૧ લાખ જેટલા રામભક્તો અયોધ્યા પહોંચી શકશે.
અક્ષત કળશ યાત્રા અને અક્ષત વિતરણ કાર્યક્રમ દ્વારા બાવીસમી જાન્યુઆરીએ દેશ આખામાં દિવાળી મનાવવા માટેનું આમંત્રણ આપ્યા બાદ આ મુદ્દાને લોકસભાની ચૂંટણી સુધી લંબાવવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર ન રહી શકનારા કરોડો રામભક્તો માટે ભાજપ તીર્થક્ષેત્ર અયોધ્યાની યાત્રા કરાવવા માટેનો પોતાનો વાયદો પૂરો કરવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે તમામ રાજ્યોના પ્રતિનિધિમંડળની સાથે બેઠકો પણ થઇ રહી છે.
દેશના ૪૩૦ સ્થળેથી ટ્રેનો અયોધ્યા પહોંચશે. રેલવેપ્રધાન અશ્ર્વિની વૈષ્ણવને અયોધ્યા માટે દરરોજ ૩૫ ટ્રેન દોડાવવા માટેની વિનંતી કરવામાં આવી છે. ચૂંટણી ઢૂંકળી છે અને રામમંદિરનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે ત્યારે વિપક્ષ ભલે ભાજપ પર રામમંદિર કાર્યક્રમને હાઈજેક કરવાનો આરોપ લગાવી રહ્યો હોય પણ ભાજપને તેની બિલકુલ ચિંતા નથી.
યાત્રાનું સવિસ્તર ટાઈમટેબલ આજે બહાર પડશે
પચીસમી જાન્યુઆરી બાદ દેશ આખામાંથી દરરોજ એક લાખ રામભક્તોને અયોધ્યા લઇ જવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ યાત્રા અંદાજે ૬૦ દિવસ સુધી ચાલવાની હોવાથી ૬૦ દિવસમાં દેશના વિવિધ ભાગોમાંથી ટ્રેનો અયોધ્યા પહોંચશે. આ દરમિયાન રામભક્તોના રહેવા માટે અને ભોજન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. જોકે આ યાત્રાનું સવિસ્તર ટાઈમટેબલ શુક્રવાર, પાંચમી જાન્યુઆરીએ બહાર પડશે.