આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

રાજ્યસભા ચૂંટણી: ભાજપ, અજિત પવાર અને શિંદે જૂથે જાહેર કરેલ ઉમેદવાર કોણ છે અને…

મુંબઈ: લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યસભાની ચૂંટણી માટે સત્તાધારી પક્ષોએ તૈયારીઓ કરી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ), અજિત પવાર જૂથ અને શિવસેના (એકનાથ શિંદે જૂથ) સહિત કોંગ્રેસે પણ પોતાની પાર્ટીવતીથી ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસમાંથી ત્રણ નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી ત્રણમાંથી બેને ટિકિટ મળી છે. રાજ્યસભાની ચૂંટણી માટે કૉંગ્રેસ, ભાજપ, એકનાથ શિંદે જૂથની શિવસેના તરફથી ચૂંટણી માટે ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ભાજપ તરફથી હાલમાં જ કૉંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ મેધા કુલકર્ણી અને અજિત ગોપછડેને ઉમેદવારી આપી છે. બીજી એકનાથ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થયેલા કૉંગ્રેસના કદાવર નેતા મિલિંદ દેવરાને શિંદે જૂથ દ્વારા રાજ્યસભાના સાંસદપદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે કૉંગ્રેસે ચંદ્રકાંત હંડોરેને ઉમેદવાર ઊભા રાખ્યા છે.

અજિત પવાર જૂથના એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી છે. તેમણે પ્રફુલ્લ પટેલને રાજ્યસભા સાંસદ માટે ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે. હવે શરદ પવાર જૂથની એનસીપી અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના રાજ્યસભાની ચૂંટણી માટે ક્યા ઉમેદવારોને પસંદ કરે છે એ જોવાનું રહેશે.

ભાજપના ઉમેદવાર-અશોક ચવ્હાણ

બે વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અશોક ચવ્હાણ કૉંગ્રેસના કદાવર નેતા હતા, જેઓ હજી મંગળવારે જ ભાજપમાં સામેલ થયા. નાંદેડ તેમનો ગઢ છે અને ત્યાંથી જ તે સાંસદ પણ રહી ચૂક્યા છે. તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા શંકરરાવ ચવ્હાણના પુત્ર છે. તેમણે વિલાસરાવ દેશમુખના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન તેમ જ ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન મહત્ત્વપૂર્ણ પ્રધાનપદ પણ સંભાળ્યું હતું. આદર્શ કૌભાંડને પગલે તેમણે મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપવું પડ્યું હતું.

મેધા કુલકર્ણીઃ

મેધા કુલકર્ણી પુણેની કોથરુડ બેઠકથી 2014માં ભાજપ તરફથી ચૂંટણી લડતા શિવસેનાના ચંદ્રકાંત મોકાટેને 64 હજાર મતથી હરાવ્યા હતા અને વિધાનસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. 2019માં મેધા કુલકર્ણીને ટિકિટ નહીં આપતા ચંદ્રકાંત પાટીલને ભાજપે ટિકિટ આપી હતી. આ પૂર્વે વિધાનપરિષદ ચૂંટણીમાં તેમને ઉમેદવાર પસંદ કરવામાં આવે એવી ચર્ચા હતી. જોકે, તેમને એ સમયે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા નહોતા.

અજિત ગોપછડેઃ

કારસેવક રહી ચૂકેલા એવા ડૉક્ટર અજિત ગોપછડેને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. વ્યવસાયે ડૉક્ટર એવા અજિત ગોપછડેએ રામ મંદિરના આંદોલન દરમિયાન કારસેવક તરીકે પણ કામ કર્યું હતું. તે ભાજપના ડૉક્ટર્સ સેલના પ્રમુખ છે. તેમણે કોરોનાકાળ દરમિયાન ભાજપ તરફથી અનેક ઠેકાણે મેડિકલ કેમ્પસ યોજ્યા હતા અને ઉલ્લેખનીય કામગીરી કરી હતી. તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તેમ જ ભારતીય વિદ્યાર્થી પરિષદના પણ સભ્ય રહી ચૂક્યા છે. તે મૂળ કોલ્હે બોરગાંવના છે.

કૉંગ્રેસના ઉમેદવારઃ ચંદ્રકાંત હંડોરે-

ચંદ્રકાંત હંડોરે 1985માં મુંબઈ મહાનગરપાલિકામાં નગરસેવક તરીકે ચૂંટાઇ આવ્યા અને અહીંથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઇ. ત્યાર પછી 1992-93માં તેઓ મુંબઈના મેયર બન્યા. મેયર બન્યા બાદ તેમણે કૉંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. 2004માં તેઓ ચેમ્બુર મતવિસ્તારથી વિધાનસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા અને વિલાસરાવ દેશમુખના પ્રધાનમંડળમાં પ્રધાનપદ પણ મેળવ્યું. સામાજિક ન્યાય ખાતાના પ્રધાન તરીકે તેમણે કામ કર્યું ત્યાર બાદ તેઓ 2009માં બીજી વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા. કૉંગ્રેસમાં ચાલતા આંતરિક વિખવાદ અને સ્પર્ધાના કારણે તે વખતે તેઓ પ્રધાન બની શક્યા નહોતા.

શિવસેના (એકનાથ શિંદે)ના ઉમેદવાર-મિલિંદ દેવરાઃ

મિલિંદ દેવરા દક્ષિણ મુંબઈના પૉશ વિસ્તારના કૉંગ્રેસના અત્યંત પ્રભાવશાળી નેતા હતા જે હાલમાં જ એકનાથ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થયા. તેઓ આ વિસ્તારથી સાંસદ રહી ચૂક્યા છે અને તેમણે 2011થી 2014 સુધી કેન્દ્રમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન રહ્યા હતા. ત્યાર પછી તેઓ શિપીંગ ખાતાના રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન પણ રહ્યા હતા. 2009-2014 દરમિયાન તેઓ સાંસદ બન્યા અને ત્યારે તે સૌથી ઓછી ઉંમરના સાંસદ રહ્યા હતા. તેમના પિતા મુરલી દેવરા પણ કૉંગ્રેસના શાસનકાળ દરમિયાન કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા હતા અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા મનાતા હતા.

એનસીપી (અજિત પવાર)ના ઉમેદવાર-પ્રફુલ્લ પટેલ

હાલ એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના રાજ્યસભા સાંસદ રહેલા પ્રફુલ્લ પટેલે પોતાના પિતા મનોહરભાઇ પટેલના નકશે કદમ પર ચાલતા કૉંગ્રેસમાં ઝંપલાવ્યું અને 1985માં ગોંદિયાથી નગર પરિષદના પ્રમુખ બન્યા. તેઓ ગોંદિયાથી સાંસદ રહી ચૂક્યા છે અને રાજ્યસભામાં પણ ચૂંટાઇ આવ્યા છે. ડો. મનમોહન સિંહની સરકારમાં તેમણે ઉડ્ડયન ખાતાના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન તરીકેનો પદભાર પણ સંભાળ્યો હતો. તેઓ ફિફા કાઉન્સિલના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે ભારે ઉદ્યોગ ખાતાનો કારભાર પણ સંભાળ્યો હતો

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ