
મુંબઈઃ આગામી રાજ્યસભાની ચૂંટણી માટે અપક્ષ ઉમેદવાર વિશ્વાસ જગતાપનું નામાંકન શુક્રવારે નકારી કાઢવામાં આવ્યું હતું, જેના કારણે મહારાષ્ટ્રમાંથી અશોક ચવ્હાણ અને મિલિંદ દેવરા સહિત બાકીના છ ઉમેદવારની ચૂંટણી લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી.
રિટર્નિંગ ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ક્રુટિની રાઉન્ડમાં જગતાપનું નોમિનેશન ફગાવી દેવામાં આવ્યું હતું. ૨૦ ફેબ્રુઆરી ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી, બિનહરીફ ચૂંટણીની ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, દેવરાએ શુક્રવારે કહ્યું હતું કે ભાજપ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના લોકશાહી પક્ષો છે જ્યારે કોંગ્રેસ નથી. સીએમ શિંદે સખત મહેનતનું વળતર આપે છે. હું ખૂબ જ ખુશ છું કે હું શિવસેનામાં જોડાયો, જ્યાં પાર્ટીનો સામાન્ય કાર્યકર મોટા પદો મેળવવાનું સપનું જોઈ શકે છે.
દેવરાએ દાવો કર્યો હતો કે તેમણે કોંગ્રેસને એમવીએ નો ભાગ ન બનવાની સલાહ આપી હતી કારણ કે તે “સત્તાનું તકવાદી જોડાણ” છે.