અજિત પવારની પાર્ટીના નેતાના દાવાથી ખળભળાટ, કહ્યું બેંક મુશ્કેલીમાં હોવાથી જોડાયો…

મુંબઈ: કાકા શરદ પવાર સાથે છેડો ફાડી છૂટા પડનારા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જૂથના વિધાનસભ્યએ ચોંકાવનારો દાવો કર્યો છે. અજિત પવાર જૂથના વિધાનસભ્ય રાજેન્દ્ર શિંગણેએ કહ્યું હતું કે તેમના દ્વારા સંચાલિત કોઓપરેટિવ બૅંક મુશ્કેલીઓનો સામનો કરી રહી હોવાથી તેમણે અજિત પવારનો સાથ આપવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અજિત પવાર અને તેમને સમર્થન આપતા અનેક વિધાનસભ્યો શરદ પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)માંથી છૂટા પડ્યા હતા અને ભાજપ અને શિવસેના(એકનાથ શિંદે)ની મહાયુતિમાં સામેલ થયા હતા.
આ પણ વાંચો: AAP નેતાએ કર્યો ઉદ્ધવ, અજિત પવારની આવક પર સવાલ
શિંગણે અને શરદ પવાર વર્ધા ખાતે એક કાર્યક્રમ દરમિયાન એક જ મંચ પર હાજર હતા. આ કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા વખતે શિંગણેએ ઉક્ત નિવેદન આપ્યું હતું. શિંગણેએ કહ્યું હતું કે તે શરદ પવારનું હંમેશાથી સન્માન કરે છે.

શિંગણેએ કહ્યું કે મેં શરદ પવારના નેતૃત્વ હેઠળ 30 વર્ષ સુધી કામ કર્યું છે અને મારી રાજકીય કારકિર્દી ઘડવામાં તેમનો મોટો ફાળો છે, જે માટે હું હંમેશા તેમનો ઋણી રહીશ. જોકે બુલઢાણામાં મારી જિલ્લા સહકારી બૅંક ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી અને હું કંઇ કરી શકું તેમ ન હોવાથી મારે અજિત દાદા સાથે જવું પડ્યું હતું. આજે જિલ્લા સહાકરી બૅંકને સરકાર તરફથી 300 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જોકે, પવાર સાહેબ(શરદ પવાર) મારી માટે હંમેશા આદરણીય રહેશે.
આ પણ વાંચો: અજિત પવારે કરેલી ભૂલની કબૂલાત પછી હવે પ્રફુલ્લ પટેલે આપ્યું આ નિવેદન
અજિત પવારે પોતે હાલમાં જ બહેન સુપ્રિયા સુળે સામે પોતાના પત્ની સુનેત્રા પવારને ચૂંટણીમાં ઊભા રાખવાનો નિર્ણય ખોટો હોવાનું કહ્યું હતું અને ત્યારબાદ રાજકીય ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. તેવામાં તેમના જ જૂથના વિધાનસભ્ય દ્વારા અપાયેલા આ નિવેદનની પણ ખૂબ ચર્ચા થઇ રહી છે.