રાજે મરાઠી ઉદ્ધવ માટે સત્તા માટે વાત કરી: ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે રાજ ઠાકરે મરાઠીઓના હિતમાં બોલ્યા હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ શાળાઓમાં હિન્દી શીખવવાના મુદ્દા પર સરકારની પીછેહઠની ઉજવણી કરવા માટે પિતરાઈ ભાઈઓની રેલીમાં સત્તા ગુમાવવા બદલ પોતાની નિરાશા દર્શાવી હતી.
શિંદેની આગેવાની હેઠળની શિવસેના સાથે જોડાયેલા પ્રધાન ઉદય સામંતે પણ બે પિતરાઈ વચ્ચે ભેદ પાડવાનો પ્રયાસ કર્યો અને ફક્ત હરીફ શિવસેના (યુબીટી)નું નેતૃત્વ કરનારા ઉદ્ધવની ટીકા કરી હતી.
આપણ વાંચો: જય ગુજરાત બોલવા પર એકનાથ શિંદેનો ખુલાસો
પત્રકારો સાથે વાત કરતા શિંદેએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના કહ્યું કે રેલીમાં સત્તા માટે તેમની સત્તાલાલસા અને ઈર્ષ્યા દેખાઈ રહી હતી અને તેમણે જવાબ આપવો જોઈએ કે આટલા વર્ષોમાં મરાઠી માનુષને મુંબઈમાંથી કેમ હાંકી કાઢવામાં આવ્યા હતા.
‘એકે મરાઠીના ભલા માટે ઇચ્છા વ્યક્ત કરી, તો બીજાએ સત્તા માટે વિષવમન કર્યું. કેટલાક લોકોએ (રેલી પહેલા) કહ્યું હતું કે વિજયની ઉજવણીમાં કોઈ પક્ષનો ધ્વજ રહેશે નહીં. એક વક્તા (રાજ) તેનું પાલન કરતા હતા, બીજા (ઉદ્ધવ) પોતાનો એજન્ડા જણાવતા હતા. આ જ ફરક છે,’ એમ શિંદેએ કહ્યું હતું.
આપણ વાંચો: અમિત શાહની હાજરીમાં એકનાથ શિંદે બોલ્યા જય ગુજરાત…
ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરનારા અને જૂન 2022માં શિવસેનાને તોડનારા શિંદેએ યાદ અપાવ્યું હતું કે રેલીની શરૂઆતમાં વગાડવામાં આવેલા ‘જય જય મહારાષ્ટ્ર માઝા’ ગીતને ‘રાજ્ય ગીત’ તરીકેની માન્યતા તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે જ આપવામાં આવી હતી.
તેમજ, તેમના કાર્યકાળ દરમિયાન કેન્દ્રે મરાઠીને અભિજાત ભાષાનો દરજ્જો આપ્યો હતો, એમ તેમણે કહ્યું હતું. શિંદેએ જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે બીજા વ્યક્તિ (રાજ)ની મદદથી પોતાની સંભાવનાઓ સુધારવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યા હતા.
આપણ વાંચો: થાણેમાં એકનાથ શિંદેના ગુરુ આનંદ દિઘેની 42 મીટર ઊંચી પ્રતિમા બનશે
તેમણે ઉમેર્યું હતું કે મુખ્ય પ્રધાન તરીકે ઉદ્ધવે આર.એ. માશેલકર સમિતિના અહેવાલને સ્વીકાર્યો હતો, જેમાં રાજ્યની શાળાઓમાં હિન્દી ‘ફરજિયાત’ બનાવવાની ભલામણ કરવામાં આવી હતી. શિંદેએ જણાવ્યું હતું કે વર્તમાન સરકારે તો ઉલટાનો ‘ફરજિયાત’ શબ્દ દૂર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરના અઠવાડિયામાં એવી અટકળો ચાલી રહી હતી કે શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના મુંબઈમાં આગામી પાલિકા ચૂંટણીઓ માટે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે જોડાણ કરવાનો પ્રયાસ કરી રહી છે.
સેનાના નેતા ઉદય સામંત, જે મરાઠી ભાષાના પ્રધાન પણ છે, તેમણે શિંદેનો સૂર પકડતાં કહ્યું હતું કે, ‘રાજનું એક ભાષણ મરાઠીના ભલા માટે હતું અને બીજું (ઉદ્ધવનું) મુંબઈમાં સત્તા પ્રાપ્ત કરવા માટે હતું.’
‘લોકોએ જોયું છે કે બીજું ભાષણ સત્તા માટે હતું,’ એમ સામંતે કહ્યું હતું.