બંને ઠાકરેની સંયુક્ત સભા પછી ઊભા થયા પાંચ સવાલ: મહારાષ્ટ્રને ક્યારે મળશે જવાબ?
20 વર્ષ પછી બંને ભાઈઓ ભેગા થઈ રહ્યા હતા ત્યારે ઘણા પ્રશ્ર્નો ઉભા થયા હતા. મોટાભાગના સવાલોના જવાબ આપ્યા વિના જ બેઠક પૂરી થઈ ગઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સમગ્ર મહારાષ્ટ્રનું ધ્યાન ખેંચનાર રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની સંયુક્ત સભા શનિવારે યોજાઈ ગઈ, 20 વર્ષ પછી ઠાકરે ભાઈઓ ભેગા થયા હતા. તેથી, આ બેઠકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
આ બેઠક પૂરી થઈ ગયા બાદ હવે રાજ્યના રાજકારણ સંબંધે કેટલાક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં તેમના જવાબ મળશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.
ખાસ કરીને આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ ભલે ગળું ખોંખારીને કહ્યું હોય કે બંને ભાઈઓ સાથે આવી ગયા છે, પરંતુ રાજ ઠાકરે હજી પણ ઘણા અવઢવમાં દેખાયા હતા અને ખાસ કરીને તેમણે કોઈ સ્પષ્ટ સંકેત યુતિ બાબતે આપ્યો નહોતો તે લોકોના ધ્યાન બહાર રહ્યુું નથી. આ સંયુક્ત રેલી પછી પાંચ એવા મહત્ત્વના સવાલ ઉપસ્થિત થયા છે જેના જવાબની રાજ્યની જનતા રાહ જોઈ રહી છે.
આપણ વાંચો: તો શું રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ભેગા થશે!
પહેલો પ્રશ્ર્ન: શું મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી સાથે મળીને લડશે?
આ બેઠકમાં એવી કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી કે મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી સાથે મળીને લડવામાં આવશે કે અલગ અલગ લડશે. ઉદ્ધવ ઠાકરે સાથે આવવા માટે સકારાત્મક દેખાયા હતા. ‘અમે સાથે આવ્યા છીએ, સાથે રહેવા માટે’ ‘અમે બંને સાથે મળીને તમને ફેંકી દઈશું’ ‘આપણી મુલાકાત વારંવાર યોજાશે’ ‘મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જ નહીં મહારાષ્ટ્ર માટે પણ છીએ’ આ બધા ઉદ્ધવ ઠાકરે દ્વારા આપવામાં આવેલા સકારાત્મક નિવેદનો હતા.
જોકે, રાજ ઠાકરેએ ફક્ત એવું જ નિવેદન આપ્યું હતું કે ‘મરાઠી લોકોના હિતમાં આ એકતા કાયમી રહેવી જોઈએ.’ તેથી જ એવું તારણ કાઢી શકાય છે કે ઉદ્ધવ સકારાત્મક છે પણ રાજ સાથે આવવા બાબતે સાવધ છે.
આપણ વાંચો: ભાષા વિવાદ: રાજ અને ઉદ્ધવ ઠાકરે એકસાથે, મરાઠીઓને કરી આ અપીલ
બીજો પ્રશ્ર્ન: શું બંને ભાઈઓ કાયમ માટે એક સાથે આવશે?
ઉદ્ધવ ઠાકરે એક સાથે આવવા અંગે આગ્રહી લાગતા હતા. ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેની પ્રશંસા પણ કરી હતી. જોકે, રાજ ઠાકરે એટલા હકારાત્મક જણાતા નહોતા. તેમણે ઉદ્ધવ ઠાકરેની ખાસ પ્રશંસા કરી નહોતી. તેથી, ભાઈઓ ભેગા થવા માટે ભેગા થયા હતા, પરંતુ ભવિષ્યમાં પણ આ ચિત્ર જોવા મળશે કે કેમ તે અંગે લોકોના મનમાં હજી શંકા છે.
બે તલવારો એક મ્યાનમાં કેવી રીતે રહી શકે છે તે પ્રશ્ર્નનો જવાબ મળે, તો જ બંને ભાઈઓ એક સાથે આવશે કે કેમ તે પ્રશ્ર્નનો જવાબ મળશે, એવું રાજકીય નિરીક્ષકોને લાગે છે.
આપણ વાંચો: “બંને ભાઈ સાથે આવે છે તો…” ઉદ્ધવ અને રાજ ઠાકરેના ભેગા થવાની અટકળો પર શું બોલ્યા NCPના સુપ્રિયા સુળે?
ત્રીજો પ્રશ્ર્ન: ઉદ્ધવ ઠાકરે પ્રત્યે રાજ ઠાકરેનું વલણ કેમ સાવચેતીભર્યું હતું?
રાજ ઠાકરે ખુલ્લેઆમ બોલ્યા નહીં. રાજ ઠાકરેએ વીસ વર્ષ પછી ઉદ્ધવ અને હું એક સાથે આવ્યા તે સિવાય બીજી કોઈ ટિપ્પણી કરી ન હતી. 2017માં મનસેએ ઉદ્ધવ ઠાકરેને ગઠબંધનનો પ્રસ્તાવ મોકલ્યો હતો, તે સમયે ઉદ્ધવ ઠાકરેએ કોઈ જવાબ આપ્યો ન હતો. તેને કારણે શું રાજ ઠાકરે શંકાશીલ છે? જ્યારે મને જરૂર હતી ત્યારે તમે મને મદદ ન કરી, હવે હું તમને કેમ મદદ કરું, શું રાજ ઠાકરેના મનમાં આ સવાલ છે? આ પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યા છે.
રાજ-ઉદ્ધવ ગઠબંધનની ચર્ચા શરૂ થયા પછી પણ રાજ ઠાકરે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મળ્યા હતા. તેથી, રાજ ઠાકરે કોઈ અન્ય નિર્ણય લેવા માગે છે કે કેમ તે હજી સ્પષ્ટ થયું નથી.
ચોથો પ્રશ્ર્ન: શું ઉદ્ધવ ઠાકરે રાજ માટે મહાવિકાસ આઘાડી છોડશે?
ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ આઘાડી છોડવાનો કોઈ સંકેત આપ્યો ન હતો. જોકે, આ સભામાં કોંગ્રેસનો એકેય નેતા હાજર નહોતો. બીજી તરફ, પવારની એનસીપીમાંથી સુપ્રિયા સુળે અને જીતેન્દ્ર આવ્હાડ પહેલી હરોળમાં હાજર હતા.
સભામાં હાજર રહેલા અન્ય પક્ષોના નેતાઓને સ્ટેજ પર બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બાબતને ધ્યાનમાં લેવામાં આવે તો બંને સાથે આવ્યા બાદ એમવીએનું શું થશે, એનો જવાબ મળ્યો ન હતો.
પાંચમો પ્રશ્ર્ન: શું રાજ ઠાકરે ફડણવીસ અને શિંદેને છોડી દેશે?
રાજ ઠાકરેએ ફડણવીસ પર પ્રહાર કરતા કહ્યું કે, બાળાસાહેબ જે કરી શક્યા નહીં તે કરાવવામાં ફડણવીસ સફળ થયા. જોકે, તેમણે એકનાથ શિંદેની ટીકા કરી ન હતી. એકનાથ શિંદેએ પણ રાજ ઠાકરેની ટીકા કરી ન હતી, તેમણે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી અને રાજ ઠાકરેને મરાઠી હિત માટે કામ કરનારા લેખાવ્યા હતા.
તેથી, રાજ ઠાકરેએ આ રેલીમાંથી કોઈ સંકેત આપ્યો નથી કે રાજ ઠાકરે શિંદે અને ફડણવીસને છોડી દેશે. ટૂંકમાં, બે ભાઈઓ સાથે આવશે, પરંતુ મહારાષ્ટ્રનું ચિત્ર હજુ સ્પષ્ટ થવાની જરૂર છે.