‘બાળાસાહેબ જે ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું’: રાજ ઠાકરે
‘હું અને ઉદ્ધવ 20 વર્ષ પછી સાથે આવી રહ્યા છીએ.. બાળાસાહેબ ઠાકરે જે ન કરી શક્યા તે દેવેન્દ્ર ફડણવીસ કરી શક્યા,’ એમ કહ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણના અત્યંત મહત્ત્વના દિવસે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ સંયુક્ત રેલીને સંબોધી હતી અને આ પ્રસંગે પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથેની સંયુક્ત રેલીમાં બોલતા, મનસેના વડા રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના ભાજપના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક એવી સિદ્ધિનું શ્રેય આપ્યું હતું જે તેમના મતે હજારો અન્ય લોકો કરી શક્યા નહોતા.
‘ઉદ્ધવ અને હું 20 વર્ષ પછી સાથે આવી રહ્યા છીએ… જે બાળાસાહેબ ઠાકરે ન કરી શક્યા, તે હજારો અન્ય લોકો કરી શક્યા નહીં, તે દેવેન્દ્ર ફડણવીસ કરી શક્યા,’ એમ રાજ ઠાકરેએ વરલીમાં એક વિશાળ કાર્યક્રમમાં મરાઠીમાં પોતાના ભાષણમાં કહ્યું હતું.
બાળ ઠાકરે જીવતા હતા ત્યારે પિતરાઈ ભાઈઓનો સંબંધ તૂટી ગયો હતો, કારણ કે તેમણે શિવસેનાના ઉત્તરાધિકાર માટે રાજ કરતાં તેમના પુત્ર ઉદ્ધવને પસંદ કર્યા હતા. આ પુન:મિલન ‘મરાઠી ગૌરવ’ના એજન્ડા પર છે – એક એવું સૂત્ર જે બાળ ઠાકરેએ પોતાનો આધાર બનાવવા માટે અપનાવ્યું હતું. ‘બાળકો પર હિન્દી શા માટે લાદવામાં આવી રહ્યું છે?’ એમ રાજે ભાજપની આગેવાની હેઠળની સરકાર દ્વારા શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે રજૂ કરવાના પાછળથી પાછા ખેંચાયેલા નિર્ણયનો ઉલ્લેખ કરતા કહ્યું હતું.
આ પણ વાંચો: અમે સાથે આવ્યા છીએ, સાથે રહેવા માટેઃ ઉદ્ધવ-ઠાકરેનો એક જ સૂર
રાજ પછીના ભાષણમાં ઉદ્ધવે કહ્યું હતું કે, ‘જ્યારે મરાઠી ભાષાની વાત આવે છે, ત્યારે રાજ, હું અને અહીંના બધા લોકો એક છીએ.’ ‘હા, અમે ગુંડા છીએ; જો ન્યાય મેળવવા માટે અમારે ગુંડા બનવું પડે, તો અમે ગુંડાગીરી કરીશું,’ એમ પણ ઉદ્ધવે ભારપૂર્વક કહ્યું હતું. ઠાકરેના કાર્યકર્તાઓ દ્વારા મરાઠીમાં ન બોલવા બદલ શેરી વિક્રેતાઓ સહિત લોકોને મારપીટ કરતા અને ધમકાવતા હોવાના અત્યારે આરોપ કરવામાં આવી રહ્યા છે તેનો જવાબ આપતાં તેમણે આમ કહ્યું હતું.
‘તમારી શક્તિ વિધાનસભામાં છે. અમારી પાસે શેરીમાં શક્તિ છે,’ એમ તેમણે જાહેર દબાણ વચ્ચે નિર્ણય પાછો ખેંચવાનો શ્રેય લેતા ઉમેર્યું. ‘શિક્ષણ નિષ્ણાતોની સલાહ લીધા વિના આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ફક્ત તમારી પાસે સત્તા હોવાથી તમે આ દબાણ કરવા માંગતા હતા,’ એમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા રાજ ઠાકરેએ ઉમેર્યું હતું.