આમચી મુંબઈ

ભાષણમાં રાજ ચડિયાતો સાબિત થયો ઉદ્ધવ કરતાઃ ભાષા મામલે કહ્યા આ મહત્વના મુદ્દા

મુંબઈઃ શહેરના વરલી ખાતે આવાઝ મરાઠીચા નામની એક રેલીમાં જુદા પડેલા પિતરાઈ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે 20 વર્ષ પછી એક સાથે આવ્યા હતા અને તેમના ભાષણ પર મહારાષ્ટ્ર સહિત આખા દેશની નજર હતી.

આ મુદ્દો હિન્દીને ફરજિયાત ન કરવાનો અને મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના જતનનો હતો. આ મુદ્દે સ્ટેજ પર માત્ર રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે જ બેઠા હતા અને બાકીના તમામ અગ્રણી નેતાઓ પહેલી હરોળમાં બેઠા હતા.

વ્હાઈટ કુર્તા પાયજામા અને બ્લ્યુ કલરના સ્કાફ-દુપટ્ટા સાથે આવેલા રાજ ઠાકરેએ ભાષણની શરૂઆત કરી હતી. રાજનું ભાષણ મરાઠી ભાષાને અનુલક્ષીને હતું અને તેણે અમુક મહત્વના મુદ્દા ઉપસ્થિત કર્યા હતા.

રાજે જણાવ્યું હતું કે દેશમાં અલગ અલગ ઘણા રેજિમેન્ટ્સ છે અને તેઓ અલગ અલગ રાજ્યોમાંથી આવે છે, પરંતુ દેશ પર જ્યારે ખતરો આવે ત્યારે એક થઈ લડે છે, ભાષાનો સવાલ ત્યાં ઊભો થતો નથી, તો અહીં શા માટે કરવામાં આવે છે.

આપણ વાંચો: તો શું રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ભેગા થશે!

રાજે એમ પણ જણાવ્યું કે અમને પૂછવામાં આવે છે કે જે નેતા મરાઠી ભાષાની વાત કરે છે તેમના સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણે છે. Raj Thackereyએ આ મામલે જણાવ્યું કે બાળ ઠાકરે અને રાજના પિતા શ્રીકાંત ઠાકરે અંગ્રેજી મીડિયામ સ્કૂલમાં ભણ્યા હતા, તેનાથી તેમનો મરાઠી પ્રેમ ઓછો થતો નથી, લાલકૃષ્ણ અડવાણી મિશનરી સ્કૂલમાં ભણ્યા હતા તેનાથી તેમનું હિન્દુત્વ ઓછું થતું નથી. રાજે દક્ષિણના નેતાઓની યાદી વાંચી હતી જેઓ અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છે.

આ સાથે તેણે કાકા બાળ ઠાકરેનો એક કિસ્સો શેર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે 1999માં જ્યારે ભાજપ-શિવસેના જીતી ત્યારે મુખ્ય પ્રધાનપદ માટે ગૂંચવણ ઊભી થતી હતી.

આપણ વાંચો: ભાષા વિવાદ: રાજ અને ઉદ્ધવ ઠાકરે એકસાથે, મરાઠીઓને કરી આ અપીલ

ભાજપના નેતા પ્રકાશ જાવડેકર સુરેશદાદા જૈનનું નામ લઈને આવ્યા હતા અને બન્ને પક્ષ આ માટે સહમત છે, તેમ જણાવ્યું હતું ત્યારે બાળ ઠાકરેએ ના પાડી હતી કે કોઈ અમરાઠી માણસ મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન નહીં બને.

રાજે એમ પણ કહ્યું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હિન્દી ભાષાનો આદેશ કાઢી મને અને ઉદ્ધવને સાથે લાવવાનું કામ કર્યું છે, જે કામ બાળ ઠાકરે પણ કરી શક્યા નહીં. રાજે પોતાના ગુજરાતી મિત્ર નયન શાહનો ઉલ્લેખ પણ કર્યો અને અમારો વિરોધ કોઈ ખાસ સમુદાય સામે નથી, પરંતુ મહારાષ્ટ્રમાં જ મરાઠી ભાષા સામે સવાલો ઊભા થાય તે ચલાવી લેવામાં નહીં આવે, તેમ જણાવ્યું હતું.

રાજે એમ પણ કહ્યં કે હિન્દી ભાષા નથી, પરંતુ તેનો એજન્ડા તરીકે ઉપયોગ કરવાનો દિલ્હી ભાજપના નેતાઓનો કારસો છે. ભાષાના આધારે જ રાજ્યોની સીમા નક્કી થઈ છે તો પછી દરેક રાજ્ય પોતપોતાની ભાષાને આગળ વધારે તેમાં કોઈ વિવાદ ઊભો કરવાની જરૂર નથી.

આપણ વાંચો: “બંને ભાઈ સાથે આવે છે તો…” ઉદ્ધવ અને રાજ ઠાકરેના ભેગા થવાની અટકળો પર શું બોલ્યા NCPના સુપ્રિયા સુળે?

ઉદ્ધવના ભાષણમાં રાજકીય મુદ્દાઓ ઉછળ્યા

ઉદ્ધવ ઠાકરેએ તેના ભાષણમાં વધારે વાત રાજકીય મુદ્દાઓની કરી. ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સામે સવાલો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યા હતા કે ભાજપ બે જણમાં તૂટ પડાવે છે અને ખટરાગ ઊભો કરે છે.

ઠાકરેએ પક્ષ છોડીને ગયેલા એકનાથ શિંદેને ફરી ગદ્દાર કહ્યા હતા અને તેમના જય ગુજરાતના નારાની નિંદા કરી હતી. આ સાથે મહાયુતિ સરકાર જે યોજનાના જોરે સત્તા પર આવી હતી તે લાડકી બહિણ યોજના વિશે પણ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે હવે તેમા નવા નામ ન લેવાની જાહેરાત થઈ ચૂકી છે.

તેમણે દરેક પક્ષના લોકોને મરાઠી અને મહારાષ્ટ્રની રક્ષા માટે આવવાની હાકલ કરી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે હું અને રાજ માત્ર મહાનગરપાલિકા નહીં મહારાષ્ટ્ર માટે પણ એક થઈ આવ્યા છીએ. ઉદ્ધવની સ્પીચ વધારે રાજકીય હતી જ્યારે રાજે રાજકીય સ્પીચ આપવાની સાથે મુદ્દા સાથે વાત કરી હતી.

જોકે વરલી ડોમ ખચોખચ ભર્યુ હતું અને બન્ને ભાઈઓના ભાષણ દરમિયાન ત્યાં હાજર સમર્થકો તાળીઓના ગડગડાટથી તેમને વધાવતા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button