મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ: રાજ અને ઉદ્ધવ ઠાકરેએ કરી યુતિની જાહેરાત, મુંબઈમાં કાર્યકર્તાઓનો ભારે જલ્લોષ

મુંબઈઃ મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ઠાકરે બંધુ એટલે કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની બહુચર્ચિત યુતિની ઘોષણા આખરે બુધવારે કરવામાં આવી. આ પહેલાં દાદરના શિવાજી પાર્ક ખાતે આવેલા સ્મૃતિ સ્થળ અને તક્યાર બાદ વરલી પરિસરમાં આવેલી હોટલ બ્લ્યુ સી પરિસરમાં શિવસેના (ઠાકરે) અને મનસેના કાર્યકર્તા ઢોલ-નગાડા સાથે પક્ષના ઝંડા ફરકાવીને પ્રવેશ્યા હતા. આખરે યુતિની જાહેરાત થતાં જ શિવસૈનિક અને મનસૈનિકોમાં ઉત્સાહ અને જલ્લોષનો માહોલ જોવા મળ્યો હતો.
ઠાકરે બંધુની યુતિની જાહેરાત બુધવારે 24મી ડિસેમ્બરના બપોરે 12 વાગ્યે થશે, એવી જાહેરાત શિવસેના (ઠાકરે) પક્ષના સાંસદ સંજય રાઉતે કરી હતી. ત્યારથી જ આ પત્રકાર પરિષદને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી હતી. ચોક્કસ શું અને કયા પ્રકારની ઘોષણા કરવામાં આવે છે, સીટની વહેચણીની લઈને ઘોષણા થશે કે કેમ એવો સવાલ પણ ઉપસ્થિત કરવામાં આવી રહ્યા હતા.
ઉદ્ધવ ઠાકરે માતોશ્રીથી નિકળીને પહેલાં શિવાજી પાર્ક ખાતે રાજ ઠાકરેના નિવાસસ્થાને ગયા હતા. જ્યાં રાજ ઠાકરેના માતાએ બંને ભાઈઓને આરતી ઉતારીને આશિર્વાદ હતા. ત્યાર બાદ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે શિવાજી પાર્ક ખાતે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના સ્મૃતિસ્થળ પર પહોંચીને આશિર્વાદ લીધા હતા.
વરલીની હોટેલની બહાર મોટી સંખ્યામાં શિવસૈનિકો અને મનસૈનિકો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. બંને પક્ષના શાખામાં પણ આ પત્રકાર પરિષદ કાર્યકર્તાઓએ સાથે બેસીને નિહાળી હતી. આ ઉપરાંત બંને પક્ષના ગઢ સમાન ગણાતા દાદર, વરલી, પ્રભાદેવી, શિવડી વિસ્તારમાં કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને આ ખાસ ક્ષણની ઉજવણી કરી હતી.



