
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દી ભાષા અને મરાઠી વિરુદ્ધ અમરાઠીના મુદ્દા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં રાજ ઠાકરે વિરુદ્ધ જનહિતની અરજી દાખલ કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ અરજીમાં રાજ ઠાકરે સામે કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.
મરાઠી અને અમરાઠીના મુદ્દે મનસે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ પણ થયા છે. હિન્દી ભાષાને ફરજિયાત બનાવવાનો નિર્ણય રદ થયા પછી, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ ભેગા થઈને મુંબઈમાં એક રેલી યોજી હતી. તે રેલીમાં રાજ ઠાકરેએ મરાઠી વિરુદ્ધ અમરાઠીના મુદ્દા પર ગંભીર ચેતવણી પણ આપી હતી.
આપણ વાંચો: ‘સરદાર સાહેબનું અપમાન સહન નહીં થાય!’ રાજ ઠાકરે સામે ગુજરાતમાં F.I.R. અને માફીની માંગ
ત્યારબાદ, શુક્રવારે મીરા ભાઈંદરમાં રાજ ઠાકરેએ જાહેર સભામાં બોલતા રાજ ઠાકરે મરાઠી વિરુદ્ધ અમરાઠીના મુદ્દા પર ખૂબ જ આક્રમક બન્યા હતા અને કહ્યું હતું કે, ‘શું મરાઠી વેપારીઓ નથી? મહારાષ્ટ્રમાં રહો, મરાઠી શીખો, યોગ્ય રીતે વ્યવસાય કરો. જો તમે મગરૂરી બતાવશો, તો તમારા મોઢા પર થપ્પડ લાગશે.’
રાજ ઠાકરેએ પરપ્રાંતીઓને આપેલી આ ચેતવણી અને ભાષા વિવાદ પર રાજ ઠાકરેના નિવેદનથી તેમની સમસ્યાઓ વધવાની શક્યતા ઉભી થઈ છે. એક અંગ્રેજી અખબારમાં આવેલા અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી જનહિત અરજીમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે રાજ ઠાકરેએ હિન્દી ભાષી લોકો સામે હિંસા ભડકાવવા અને નફરત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
વકીલ ઘનશ્યામ ઉપાધ્યાયે આ અરજી દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે. દાખલ કરાયેલી અરજીમાં મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ પર તણાવ વધારવામાં કથિત સંડોવણી બદલ રાજ ઠાકરે અને તેમના પક્ષના કાર્યકરો સામે કેસ નોંધવાની માગણી કરવામાં આવી છે.
ભાષાના મુદ્દા પર મનસે કાર્યકરોએ કેટલાક પરપ્રાંતી લોકોને માર માર્યો હોવાની ઘટના બની હતી. ખાસ કરીને બિન-મરાઠી ભાષીઓને નિશાન બનાવવાની ઘટના બાદ આ કાનૂની પગલું લેવામાં આવ્યું છે.
થોડા દિવસો પહેલા, રાજ ઠાકરે અંગે ડીજીપી (ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ સમક્ષ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રાજ ઠાકરે સામે પોલીસ થોડા દિવસો પહેલા ત્રણ વકીલોએ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે રાજ ઠાકરેના કેટલાક નિવેદનો સામાજિક અશાંતિને પ્રોત્સાહન આપી રહ્યા હતા.
રાજ ઠાકરેએ ભડકામણું ભાષણ આપ્યું હતું અને પરપ્રાંતીઓ અંગે આપેલા નિવેદનથી રાજ્યમાં સામાજિક સંવાદિતા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ખલેલ પહોંચાડી રહી છે. તેથી, રાજ ઠાકરે વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કેસ દાખલ કરીને કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી.