કબૂતરોને ચણને મુદ્દે જૈન મૂનિનો મોહભંગ
રાજ ઠાકરેએ કાર્યવાહીને યોગ્ય ઠેરવી: રાજ્યના પ્રધાન લોઢાની કાઢી ઝાટકણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજ્યમાં રાજકીય વાતાવરણ વધુ ગરમ થવાના એંધાણ
મુંબઈ: દાદરમાં કબૂતરોને ચણ ખવડાવવાના મુદ્દે જૈનો વિરુદ્ધ મરાઠીભાષીઓનું નવું સ્વરૂપ મળી રહ્યું છે ત્યારે જૈન મૂનિએ મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે પર આ વિવાદને ઉકેલવા માટે મૂકેલા વિશ્ર્વાસનો ભંગ થઈ ગયો છે. રાજ ઠાકરેએ આ મુદ્દે પાલિકાની કાર્યવાહીને યોગ્ય ઠેરવતાં લઘુમતી સમાજના નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન મંગલ પ્રભાત લોઢાની ઝાટકણી કાઢી હતી. આ ઉપરાંત તેમણે કલ્યાણ-ડોંબિવલી મનપા દ્વારા માંસના વેચાણ પર લગાવવામાં આવેલા પ્રતિબંધનું ઉલ્લંઘન કરવાનો આદેશ પોતાના કાર્યકર્તાઓને આપ્યો હોવાથી આગામી દિવસોમાં રાજ્યમાં નવું રમખાણ જોવા મળે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
જૈન સાધુએ બુધવારે મનસેના વડા રાજ ઠાકરેને પરિસ્થિતિ શાંત કરવા માટે હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘બાળ ઠાકરેના આદર્શો રાજ ઠાકરેમાં પ્રતિબિંબિત થાય છે. હું તેમને મળવા માગું છું. તેઓ જ આ વિવાદનો અંત લાવી શકે છે. હું તમને (રાજ ઠાકરે) વિનંતી કરું છું કે આ મુદ્દો ઉકેલો,’ એમ એમએનએસ પ્રમુખને ‘મરાઠી હૃદયસમ્રાટ’ ગણાવતા સાધુ નિલેશચંદ્ર વિજયે કહ્યું હતું.
સાધુએ એવી સ્પષ્ટતા કરી કે ગયા અઠવાડિયે જૈન સમુદાય દ્વારા કરવામાં આવેલો વિરોધ સમાજના કોઈપણ વર્ગ સામે નથી. જોકે, આ મુદ્દાને સ્થાનિકો (મરાઠીભાષી નાગરિકો વાંચો) અને ‘બહારના લોકો’ વચ્ચેના સંઘર્ષ તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે.
આ બધાની વચ્ચે ગુરુવારે પાર્ટીના પદાધિકારીઓની બેઠક બાદ પત્રકાર પરિષદમાં રાજ ઠાકરેએ જૈન મૂનિની વાતનો જવાબ આપતાં કહ્યું હતું કે, હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ કાર્યવાહી થવી જોઈએ, જો પ્રતિબંધ હોય તો જૈન મૂનિઓએ પણ તેનો વિચાર કરવો જોઈએ. ડોક્ટરોએ કબૂતરોથી થતા રોગો વિશે ચેતવણી આપી છે, પરંતુ જો કોઈ તેમને હજુ પણ ખવડાવી રહ્યું છે, તો પોલીસે કાર્યવાહી કરવી જ જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
રાજ ઠાકરેએ કહ્યું હતું કે, કોર્ટનો આદેશ હતો ત્યારે વિરોધ થયો હતો, પરંતુ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી ન હતી. તેનાથી વિપરીત, રાજ્યના પ્રધાન મંગલપ્રભાત લોઢાએ વિરોધમાં ભાગ લીધો હતો. શું તેઓ કોર્ટના આદેશને જાણતા નથી? તેમણે યાદ રાખવું જોઈએ કે તેઓ રાજ્યના પ્રધાન છે, કોઈ ધર્મના પ્રતિનિધિ નથી. એનાથી વિપરિત બુધવારે જ્યારે મરાઠી લોકોએ વિરોધ કર્યો ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને પત્રકારોને માર મારવામાં આવ્યો હતો. અમને ખબર નથી કે સરકાર શું રમત રમી રહી છે! ચૂંટણી નજીક આવતા સમાજમાં ભાગલા પાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો આરોપ લગાવતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે, પહેલા હિન્દીને બળજબરીથી લાગુ કરવાનો પ્રયાસ, હવે કબૂતરખાનાનો મુદ્દો લોકોને ઉશ્કેરવાનો એજન્ડા ચાલુ છે.
એટલા જ આક્રમક શબ્દોમાં તેમણે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15 ઓગસ્ટના રોજ કતલખાના અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે, કોઈએ શું ખાવું તે નક્કી કરવાનો અધિકાર મ્યુનિસિપલ કોર્પોરેશનને કોણે આપ્યો? મેં મારા મહારાષ્ટ્રના સૈનિકોને કહ્યું છે કે આ પ્રતિબંધનું પાલન ન કરે. સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ ખાવાની સ્વતંત્રતા નથી. આવી વાત સહન કરવામાં આવશે નહીં.
દરમિયાન, રાજ ઠાકરેના આ નિવેદનો પછી, રાજ્યના રાજકારણમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાના સંકેતો ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયા છે. ભવિષ્યમાં સરકાર કેવી પ્રતિક્રિયા આપશે તેના પર સૌનું ધ્યાન છે.