મહારાષ્ટ્રમાં આરક્ષણની જરૂર નથી: રાજ ઠાકરેનું નિવેદન વિવાદમાં

મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની ઝાળ લાગી છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં મનોજ જરાંગે-પાટીલે આંદોલન શરૂ કર્યું હતું અને તેને એક વર્ષ પૂરું થઈ ગયું હોવા છતાં હજી પૂરી સફળતા મળી નથી. બીજી તરફ મરાઠા અનામતની ચર્ચાને કારણે ઓબીસી અને ધનગર સમાજ પણ આક્રમક બન્યા છે અને રાજ્યમાં ભારેલા અગ્નિ જેવું વાતાવરણ છે ત્યારે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ સોલાપુરમાં મહારાષ્ટ્રમાં આરક્ષણની જ જરૂર નથી એવું નિવેદન કરતાં ભારે વિવાદ સર્જાવાની શક્યતા જોવાઈ રહી છે.
મહારાષ્ટ્રમાં બધી જ વસ્તુઓ એટલી વિપુલ પ્રમાણમાં છે કે રાજ્યને અનામતની આવશ્યકતા જ નથી. પૈસાનું યોગ્ય રીતે પ્લાનિંગ કરવાની આવશ્યકતા છે. મુંબઈ, થાણે, પુણે, નાગપુર વગેરે વિસ્તારોમાં જે પ્રકારના ફ્લાયઓવર્સ છે તે કેમ બની રહ્યા છે. મૂળ વસતી માટે નહીં, બહારથી આવનારા લોકો માટે બની રહ્યા છે. થાણે જિલ્લો દેશનો એકમાત્ર એવો જિલ્લો છે, જેમાં આઠ મહાનગરપાલિકા છે. ગ્રામ પંચાયત, નગરપરિષદ, જિલ્લા પરિષદ, નગરપાલિકા અને પછી મહાનગરપાલિકા આ વસ્તીને આધારે દરજ્જો વધે છે. એવું હોય તો આ વસ્તી થાણેના લોકોએ વધારી છે? બહારથી મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે. તેઓ શહેરમાં આવ્યા પછી તેમની વ્યવસ્થા કરવા માટે સરકારનાં નાણાં ખર્ચાઈ રહ્યાં છે, એમ રાજ ઠાકરેએ કહ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં પર્યાવરણની દ્રષ્ટિએ ‘સંવેદનશીલ’ વિસ્તારોની જાહેરાત, વિકાસ કાર્યો ખોરંભે ચડશે?
તેમણે વધુમાં બોલતાં કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકોને શિક્ષણ અને નોકરીઓ મળવી જોઈએ આમાં જાતિ ક્યાંથી વચ્ચે આવે છે? મહારાષ્ટ્રમાં સૌથી વધુ રોજગાર નિર્માણ થઈ રહ્યો છે. ખાનગી શિક્ષણ સંસ્થા અને નોકરીમાં અનામત નથી. તો પછી કેટલી જગ્યાઓ પર અનામત છે? આ વસ્તુ પણ જોવી આવશ્યક છે. મૂળે અત્યારે માથા ભડકાવીને રાજકારણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ફક્ત મતોનું રાજકારણ છે. દરેકે આ વાત સમજી લેવી જોઈએ. આમાંથી કશું જ મળવાનું નથી, એમ રાજ ઠાકરેએ કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં જાતિને આધારે રાજકારણ કરનારા લોકોને જનતાએ આગામી ચૂંટણીઓમાં સત્તાથી દૂર રાખવા જોઈએ એમ પણ તેમણે કહ્યું હતું. તેમના આ નિવેદનને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વિવાદ થવાની શક્યતા છે.