રાજ ઠાકરે મુખ્ય પ્રધાનને મળવા પહોંચ્યા વર્ષા બંગલે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ શનિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો પર મુલાકાત લીધી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં દુકાનો પર મરાઠી પાટિયાં અને ટોલ ટેક્સના મુદ્દે આ મુલાકાતમાં ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યા મુજબ વર્ષા બંગલો પર રાજ ઠાકરે સાથેની આ મુલાકાત થઈ હતી.
આ પહેલાં ચાલુ સપ્તાહના પ્રારંભે રાજ ઠાકરેએ રાજ્ય સરકારની ટીકા કરી હતી. સુપ્રિમ કોર્ટ દ્વારા મરાઠી પાટિયાં લગાવવા અંગે આપવામાં આવેલા નિર્દેશનો અમલ કરવામાં નિષ્ફળ જવા બદલ આ ટીકા કરવામાં આવી હતી. તેમણે એવી ટીકા કરી હતી કે સત્તાધારી મહાયુતિ ફક્ત મરાઠી અને હિન્દુત્વના મુદ્દે ફક્ત વાતો જ કરે છે.
આ પહેલાં રાજ ઠાકરેએ 12 ઑક્ટોબરે મુખ્ય પ્રધાનની મુલાકાત લીધી હતી અને રાજ્યની જનતા રોડ ટેક્સ ભરતી હોવાથી તેમને ટોલમાંથી મુક્તિ આપવી એવી પણ માગણી કરી હતી. બીજી તરફ મરાઠી પાટિયાંના મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી 25 નવેમ્બરની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં દુકાનોના પાટિયાં બદલાયા નથી. મનસે દ્વારા મુંબઈ, પુણે અને નાશિકમાં કેટલાક બોર્ડની તોડફોડ પણ કરવામાં આવી હતી. આ બંને મુદ્દે મુખ્ય પ્રધાન સાથે રાજ ઠાકરેએ ચર્ચા કરી હતી.