તો શું રાજ ઠાકરેની MNS પાર્ટી એકનાથ શિંદેના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડશે?
મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના એંધાણ મળી રહ્યા છે. એવી અટકળો ચાલી રહી છે કે મહારાષ્ટ્ર નવનિમ્રાણ સેના એનડીએ સાથએ ગઠબંધન કરશે. આ સંદર્ભમાં મનસેના રાજ ઠાકરે દિલ્હી આંટો પણ મારી આવ્યા છે. પણ હજી સુધી ભાજપે કે મનસેએ મગનું નામ મરી નથી પાડ્યું. આ બાબતે જ્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં પરિસ્થિતિ સ્પષ્ટ થઇ જશે.
હવે એક એવા સમાચાર આવી રહ્યા છે કે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટી એકનાથ શિંદેના ચૂંટણી ચિન્હ ધનુષ્યબાણ પર ચૂંટણી લડશે. રાજ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે આ અંગે મુંબઈમાં બેઠક ચાલી રહી છે. તાજ હોટેલમાં યોજાયેલી આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મનસે એકનાથ શિંદેના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડશે.
મનસે અને મહારાષ્ટ્રની શાસક યુતિ વચ્ચે આજકાર રોજ મીટિંગો યોજાઇ રહી છે. તાજેતરમાં રાજ ઠાકરે દિલ્હી ગયા હતા ત્યારે તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વિનોદ તાવડે સાથે મુલાકાત કરી હતી. આ સમયે તેમની સાથે તેમના પુત્ર અમિત ઠાકરે પણ હાજર હતા. આ દરમિયાન શું ચર્ચા થઇ એ અંગે બંને નેતાઓએ કંઇ જણાવ્યું નથી, પણ એક-બે દિવસમા જાહેરાત કરવામાં આવશે એમ કહ્યું હતું. હવે આજે મુંબઈમાં રાજ ઠાકરેની મુખ્ય પ્રધાન શિંદે સાથએ તાજમાં મુલાકાત થઇ છે.
હવે એમ જાણવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્રના સત્તાધારી મહાગઠબંધનમાં MNSને લોકસભાની બે બેઠકો મળવાની શક્યતા છે. દક્ષિણ મુંબઈ અને શિરડી એમ બે લોકસભા બેઠકો MNSને આપવામાં આવી શકે છે. આ ચૂંટણીમાં અમિત ઠાકરે મેદાનમાં ઉતરી શકે છે. ભાજપ ઇચ્છે છે કે તેમની પાસે યુવા અને શિક્ષીત ચહેરો હોય જે દક્ષિણ મુંબઇમાંથી ઉમેદવારી કરે. ભાજપ આ બેઠક પરથી અમિત ઠાકરેને ઉમેદવારી આપવા માગે છે. આ અેક એવી લલચામણી ઓફર છે જેને રાજ ઠાકરે ના પાડી શકે તેમ નથી. આ ઉપરાંત MNS નેતા બાલા નંદગાંવકર શિરડીથી ઉમેદવાર બની શકે છે.
વેલ, હજી સુધી આ મામલે બંને પક્ષ કંઇ બોલવા તૈયાર નથી. બંને પક્ષ ફૂંકીફૂંકીને પગ આગળ રાખી રહ્યા હોય એમ લાગે છે, પણ જો અમિત ઠાકરે દક્ષિણ મુંબઈમાંથી ચૂંટણી લડવા ઉતરે છે તો ભાજપને યુવા અને શિક્ષિત ચહેરો મળી જશે.