શરદ પવાર અને અજિત પવાર મામલે રાજ ઠાકરેએ કર્યો ચોંકાવનારો દાવો
મુંબઈ: મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ) પર ટીકા કરી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે એનસીપીને હું પક્ષ માનતો જ નથી. શરદ પવાર મતદારોએ બાંધેલી એક મઢી છે અને શરદ પવાર અને અજિત પવાર બંને અલગ થયા હોવા છતાં સાથે જ છે એવો દાવો પણ તેમણે કર્યો હતો. નાશિકમાં મનસેના એક કાર્યક્રમનું સંબોધન કરતાં રાજ ઠાકરેએ બીજા રાજકીય પક્ષો પર ટીકા કરી હતી.
નાશિકમાં એક કાર્યકમમાં રાજ ઠાકરે એ કહ્યું હતું કે જ્યારે હું બોલું છું તે વાતની લોકો પ્રશંસા કરે છું પણ કામો લોકો સુધી કદાચ પહોંચતા નથી. ચૂંટણીના પ્રચાર માટે હું નાશિક, કલ્યાણ-ડોમ્બિવલી ગયો ત્યાં અનેક લોકો મને મળ્યા અને કહ્યું કે તમારા પર વિશ્વાસ છે. મારે આ વિશ્વાસ ટકાવી રાખવો છે અને ક્યાં અમે ઓછા પડે છે એ બાબતે અમે વિચાર કરીશું.
તેમણે આગળ કહ્યું કે એક દિવસ મને એનસીપીના ચાર વિધાનસભ્યો મળવા આવ્યા તેમાંથી બે શરદ પવાર જૂથ અને બે અજિત પવાર જૂથના હતા. આ જોઈને આશ્ચર્ય થયું. આ બંને પક્ષ અલગ થયા છતાં આજે પણ સાથે જ છે. શરદ પવાર અને અજિત પવાર તમને ભ્રમિત કરી મૂર્ખ બનાવી રહ્યા છે. તેઓ માત્ર રાજકારણ કરી રહ્યા છે અને જાત-ધર્મ પર ઝેર ઓકવાનું કામ કરવાનો આરોપ પણ રાજ ઠાકરે એ કર્યો હતો.
રાજ ઠાકરેએ મરાઠા સમાજને આરક્ષણ બાબતે પણ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મરાઠા આરક્ષણની માગણીને અંગે મનોજ જરાંગે પાટીલને મે કહ્યું કે આરક્ષણ મળવું શક્ય જ નથી. માત્ર આંદોલન કરીને પોતાનો સમય ન વેડફો, જે બાબત શક્ય જ નથી તે બાબતે સરકાર માત્ર આશ્વાસન આપી રહ્યું છે. બીજા રાજ્યથી લોકો આવીને લોકો અહીં નોકરી અને શિક્ષણની યોજવાનોનો લાભ લે છે અને મરાઠી લોકોએ માત્ર આંદોલન કરવાનું? એવું રાજ ઠાકરેએ કહ્યું હતું.