બંગાળની ખાડીમાં સાઈક્લોનિક પ્રેશરને લીધે મુંબઈ પર વરસાદી આફત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં પડી રહેલા ધોધમાર વરસાદ માટે અનેક પરિબળો જવાબદાર છે. હવામાન ખાતાના કહેવા મુજબ બંગાળની ખાડી પર સાયક્લોનિક સર્ક્યુલેશન નિર્માણ થવાથી પશ્ર્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને પડોશમાં રહેલા આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કિનાર પ્રદેશ ઉપર લો પ્રેશર સર્જાયું છે, તેની અસર હેઠળ મુંબઈ સહિત રાજ્યમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે.
એ સિવાય ઉત્તર કોંકણમાં નીચલા સ્તરથી મધ્યમ સ્તર સુધીની ટ્રફની હાજરી છેે તેથી મહારાષ્ટ્રના અનેક ભાગમાં વાવાઝોડા જેવી ગતિવિધિ સાથે ભારે વરસાદની શક્યતા છે. છત્તીસગઢ પર સાયક્લોનિક સર્ક્યુલેશન છે. વિન્ડ શીયર છે અને આકાશમાં બે વિરુદ્ધ દિશામાં પવનોની ટક્કર થઈ રહી છે. આ બધા પરિબળોને કારણે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આગામી ચારથી પાંચ દિવસ મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર રહેવાની શક્યતા છે.
પ્રશાસન એલર્ટ મોડ પર
હવામાન ખાતાએ ગુરુવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધી મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કરી અતિ મુશળધાર વરસાદની આગાહી કરી છે, તેને પગલે પાલિકા પ્રશાસને તમામ ૨૪ વોર્ડના કંટ્રોલરૂમમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરોને તહેનાત કરી દીધા હતા. તેમ જ તમામ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેવાનો નિર્દેશ આપ્યો હતો. તેમ જ તમામ વોર્ડમાં જયાં પાણી ભરાયા હોય ત્યાં તેનો નિકાલ કરવા વધારાના પંપ બેસાડવાનો આદેશ આપ્યો હતો.
૪૮ કલાકમાં ૧૪૯ મિ.મી. વરસાદ
હવામાન ખાતાએ બુધવાર માટે અગાઉ ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરી હતી. પરંતુ સાંજ બાદ ઓરેન્જ એલર્ટને અપગ્રેડ કરીને તેને રેડ એલર્ટ જાહેર કર્યું હતું.
૨૫ સપ્ટેમ્બરના સવારના ૮.૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં ૭૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જે ભારતીય હવામાન વિભાગના કહેવા મુજબ ભારે વરસાદની (૬૪.૫ મિ.મી.-૧૧૫.૫ મિ.મી.) શ્રેણીમાં આવે છે. ૨૩થી ૨૪ સપ્ટેમ્બરના ૨૪ કલાકમાં ૭૫ મિ.મી. તો ૪૮ કલાકના ગાળામાં ૧૪૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
Also Read –