આમચી મુંબઈ

લગ્નની મોસમ પર વરસાદનું સંકટ

મુંબઈ, પાલઘર, થાણે સહિત રાજ્યમાં વરસાદની આગાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવેમ્બર મહિનો પૂરો થવાની નજીક છે અને મુંબઈગરાને હજી સુધી ઠંડીનો અનુભવ થયો નથીં. ત્યારે આગામી પાંચ દિવસ મુંબઈ, થાણે, પાલઘર સહિત રાજ્યના ૩૦થી વધુ જિલ્લામાં વીજળીના ગડગડાટ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. તુલસી વિવાહ બાદ હવે લગ્નની મોસમ શરૂ થઇ ગઇ છે તથા મુંબઈમાં ૨૬ અને ૨૭ના લગ્ન માટે સૌથી વધુ મૂહુર્ત છે ત્યારે વરસાદ વિઘ્ન બનવાની શક્યતા છે. નવેમ્બરના અંતિમ દિવસોમાં છથી સાત દિવસ વિવાહ માટેના ઘણા સારા મૂહુર્ત છે. ૨૬મીએ સૌથી વધુ લગ્નના મૂહુર્ત છે ત્યારે કમોસમી વરસાદ લગ્ન પ્રસંગોમાં અડચણ બની શકે છે. તેથી લગ્ન વખતે, ખાસ કરીને ખુલ્લા મેદાનમાં જેઓએ લગ્નનું આયોજન કર્યું છે તેઓએ વરસાદને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવી પડશે.
ભારતીય હવામાન ખાતાએ ગુરુવારે સમગ્ર મહારાષ્ટ્રમાં ૨૫થી ૨૭ નવેમ્બર દરમિયાન વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન ખાતાએ દરિયાકાંઠાના રાજ્યના મોટાભાગના વિસ્તારોને યલો એલર્ટ પર મૂક્યા છે. મહારાષ્ટ્ર ઉપરાંત મધ્ય પ્રદેશ, ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં આવતા અઠવાડિયા સુધી કમોસમી વરસાદની શક્યતા છે.
હવામાન ખાતાના કહેવા મુજબ દક્ષિણ પૂર્વીય પવનો મહારાષ્ટ્ર તરફ ફૂંકાઈ રહ્યા છે અને બંગાળના ઉપસાગરમાં નિર્માણ થયેલા લો પ્રેશરની અસર સાથે જ ૨૬ નવેમ્બરની આસપાસ તૈયાર થનારા મજબૂત વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર તેમ જ ગોવા સહિત મહારાષ્ટ્રમાં ૩૦થી વધુ જિલ્લામાં ૨૫થી ૨૮ નવેમ્બર સુધીમાં કમોસમી વરસાદ અને માવઠું પડી શકે છે.
હવામાન ખાતાના કહેવા મુજબ ગોવા સહિત મહારાષ્ટ્રમાં મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી, જળગાંવ, નાશિક, પુણે, કોલ્હાપુર, સતારા, સાંગલી, લાતુર વગેરે જિલ્લામાં વીજળીના ચમકારા સાથે ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડાની અસર જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button