ગણેશોત્સવ પર વરસાદનું સંકટ
બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવની ઊજવણીમાં વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. ગયા અઠવાડિયામાં બે દિવસ મુશળધાર વરસાદ પડયા બાદ ગાયબ થઈ ગયેલો વરસાદ ગણેશોત્સવ દરમિયાન ફરી રંગ જમાવે એવી શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હવામાનમાં થઈ રહેલા ફેરફારને કારણે ગણેશોત્સવ દરમિયાન ચોમાસું ફરી સક્રિય થવાનો અંદાજો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે.
મુંબઈ સહિત રાજ્યમાં ગયા અઠવાડિયા દરમિયાન બે દિવસ દરમિયાન સારો એવો વરસાદ પડી ગયો હતો, તેને કારણે પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા અનેક જિલ્લાને ઘણી રાહત થઈ હતી. જોકે બાદમાં ફરી વરસાદ ગાયબ થઈ ગયો હતો. હવે જોકે ગણેશોત્સવ દરમિયાન ફરી ચોમાસું સક્રિય થવાનો વર્તારો હવામાન ખાતાએ આપ્યો છે.
હવામાન ખાતાના કહેવા મુજબ બંગાળના ઉપસાગરમાં ઉપરાઉપરી બે વખત ચક્રવાત સર્જાવાની શક્યતા છે અને તેને કારણે ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થઈ શકે છે. તેને કારણે ૧૫ સપ્ટેમ્બરથી અઠવાડિયા સુધી એટલે કે ૨૩ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ફરી મધ્યમથી મુશળધાર વરસાદની શક્યતા છે. પહેલો ચક્રવાત સ્થિતિ ૧૨ સપ્ટેમ્બરના તૈયાર થવાની શક્યતા છે અને ત્યારબાદ બીજો ચક્રવાત સર્જાશે, તેને પગલે મુંબઈ સહિત રાજ્યમાં ગણેશોત્સવ દરમિયાન જ વરસાદ પડવાની શક્યતા છે.
નોંધનીય છે કે મુંબઈમાં આ વર્ષે ચોમાસાનું આગમન મોડું થયું હતું. ૨૫ જૂનના ચોમાસાનું આગમન થયા બાદ આખો જુલાઈ મહિનો મુશળધાર વરસાદ પડ્યો હતો. બાદમાં જોકે ઑગસ્ટ મહિનો આખો કોરો ગયો હતો અને સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું પણ લગભગ કોરું ગયું છે.
મુંબઈમાં અત્યારે મોસમનો કુલ ૮૫.૬૯ ટકા વરસાદ પડી ચૂક્યો છે, જેમાં શહેરમાં ૮૫.૧૩ ટકા અને ઉપનગરમાં ૮૨.૨૮ ટકા વરસાદનો સમાવેશ થાય છે.