પ. રે.ના પ્રવાસીઓના હાલાકી યથાવત્, આ એપ પર ચેક કરો તમારી ટ્રેન કેન્સલ તો નથી ને?
મુંબઈઃ પશ્ચિમ રેલવે પર ખાર-ગોરેગાંવ સ્ટેશન વચ્ચે ચાલી રહેલાં છઠ્ઠી લાઈનના કામકાજને કારણે શુક્રવારથી બ્લોક હાથ ધરવામાં આવ્યો છે, જેને કારણે પ્રવાસીઓએ પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અઠવાડિયું ચાલનારા આ બ્લોક દરમિયાન આશરે 3126 જેટલી લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે. પરંતુ હવે પશ્ચિમ રેલવેમાં પ્રવાસીઓને રાહત આપે એવા સમાચાર આવી રહ્યા છે, કારણ કે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓની વહારે એક એપ્લિકેશન આવી છે. આ એપ્લિકેશન પર પ્રવાસીઓ કઈ ટ્રેન કેન્સલ છે કે દોડાવવામાં આવી રહી છે, ટ્રેન ક્યાં પહોંચી છે જેવી મહત્ત્વની માહિતી એક જ ક્લિક પર મેળવી શકશે.
પશ્ચિમ રેલવે દ્વારા દરરોજની આશરે 300 ટ્રેનો રદ કરવામાં આવે છે. 27મી ઓક્ટોબરથી શરૂ થયેલો આ બ્લોક પાંચમી નવેમ્બર સુધી ચાલશે. ટ્રેનો રદ થવાને કારણે પ્લેટફોર્મ પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. પ્રવાસીઓની ભીડ અને રદ થતી ટ્રેનોને કારણે પ્રવાસીઓને હાલાકી પડી રહી છે.
પરંતુ હવે પ્રવાસીઓને રાહત આપે એવા સમાચાર પશ્ચિમ રેલવે દ્વારા શેર કરવામાં આવ્યા છે. ચોક્કસ કઈ ટ્રેનો રદ્દ કરવામાં આવશે, એની માહિતી પ્રવાસીઓને મળી રહે એવી ગોઠવણ પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી છે. પ્રવાસીઓ પશ્ચિમ રેલવે પર પાંચ નવેમ્બર સુધી કઈ લોકલ ટ્રેન રદ કરવામાં આવી છે એની માહિતી યાત્રી એપની મદદથી જાણી શકાશે.
પશ્ચિમ રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર યાત્રી અએપ પર રદ કરવામાં આવેલી ટ્રેનોની માહિતી બે દિવસ પહેલાં જ આપવામાં આવશે અને એની સાથે સાથે જ તમે જે ટ્રેનમાં પ્રવાસ કરો છો તે ટ્રેનને તમારી ફેવરેટ ટ્રેનમાં એડ કરી નાખો. નિયમીતપણે તમને એ લોકલના નોટિફિકેશન મોકલવામાં આવશે. એટલે ટ્રેન રદ કરવામાં આવી હોવાના નોટિફિકેશન્સ પણ પ્રવાસીઓને ડે ટુ ડે લાઈફમાં મળી રહેશે.
આ ઉપરાંત આ એપમાં પ્રવાસીઓને ટ્રેનનું લાઈવ સ્ટેટસ પણ જાણવા મળશે. યાત્રી એપ પર મળનારા નોટિફિકેશન દ્વારા પ્રવાસી એમની આખા દિવસની જર્ની પ્લાન કરી શકે છે, એવું વધુમાં રેલવે અધિકારીએ જણાવ્યું હતું.
કઈ રીતે ચેક કરશો ટ્રેનનું સ્ટેટસ?
પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કર્યા બાદ તમે જે સ્ટેશન પર છો એ સ્ટેશન સિલેક્ટ કરો. ત્યાર બાદ તમારે જે ડિરેક્શનમાં પ્રવાસ કરવાનો છે એ સ્ટેશન સિલેક્ટ કરો. ટ્રેનનું લાઈન લોકેશન મેળવવા માટે ટ્રેનના ટાઈમટેબલ પર ક્લિક કરશો એટલે મેપ પર તમારી ટ્રેન ક્યાં પહોંચી છે એની માહિતી તમારા હાથમાં આવી જશે.