રેલવે પ્રધાને અચાનક વાડી બંદર ડેપોની લીધી મુલાકાત, જાણો કેમ?
મુંબઈ: દેશમાં વધી રહેલા રેલવે અકસ્માતો વચ્ચે આજે અચાનક મુંબઈની રેલવે પ્રધાને મુલાકાત લઈને સૌને ચોંકાવ્યા છે. આજે રેલવેના પ્રધાન અશ્વિની વૈષ્ણવે મધ્ય રેલવેના વાડી બંદર કોચિંગ ડૅપોની સમીક્ષા કરી હતી તથા પ્રવાસીઓની સુરક્ષા અને રેલવે સિસ્ટમમાં સંશોધનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો.
૧૮૬૦થી કાર્યરત વાડી બંદર ડૅપો મધ્ય રેલવે નેટવર્કનું સૌથી જૂના ડૅપોમાંથી એક છે. વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનો સહિત ૩૦થી વધુ મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોનું સમારકામ આ ડૅપોમાં કરવામાં આવે છે. રેલવે પ્રધાને ડૅપોના માળખાની સમીક્ષા કરી હતી અને સ્વચ્છતા, પ્રવાસીઓની સુરક્ષા અને સેવાની વિશ્વનીયતા વધારવા સાથેની ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા કરી હતી.
‘બેસ્ટ ફ્રોમ વેસ્ટ’ પ્રદર્શનમાં કચરો ઉપાડવા માટેની ઇનહાઉસ ડિઝાઇન સહિત સ્વચ્છતા અંગેના ડૅપોના સંશોધનોની તેમણે પ્રશંસા કરી હતી. વંદે ભારત એક્સ્પ્રેસમાં થતી ‘૧૪ મિનિટ મિરેકલ’ ક્લિનિંગ પ્રોસેસ માટે ઉપયોગમાં લેવાતા ડાયસન વેક્યુમ સહિત આધુનિક સફાઇ ઉપકરણોનું પ્રદર્શન પ્રધાન સમક્ષ કરાયું હતું, એમ મધ્ય રેલવે દ્વારા રજૂ કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું.
લિંક હૉફમેન બુસ્ચ (એલએચબી) કોચીસમાં કરાયેલા ફેરફાર, જેમ કે ટીપીયુ રિંગ્સનો ઉમેરો જેનાથી સ્પ્રિંગ ફૅલ્યોરની સમસ્યાને ઘટાડી શકાય છે, તેની સમીક્ષા પણ વૈષ્ણવે કરી હતી. સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં ટેક્નોલોજીના ઉપયોગને ટાંકતા રેલવે પ્રધાને નોંધ્યું હતું કે અલ્ટ્રા-સોનિક એર લીકેજ ડિટેકશન સિસ્ટમ અને ફિબા (ફ્લશિંગ ઈન્ડિકેટર એન્ડ બ્રેક એપ્લિકેશન) સિસ્ટમ જેવા આધુનિક ઉપકરણો ટ્રેનના મેઇનટેનન્સ માટે ઉપયોગી છે.