થાણેમાં 10 દેશી બોમ્બ સાથે રાયગડના રહેવાસીની ધરપકડ

થાણે: થાણેમાં 10 દેશી બોમ્બ વેચવા આવેલા રાયગડ જિલ્લાના 45 વર્ષના રહેવાસીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ અધિકારીઓએ મળેલી માહિતીને આધારે 2 ડિસેમ્બરે સાકેત ગ્રાઉન્ડ નજીક છટકું ગોઠવ્યું હતું અને ત્યાં આવેલા શખસને તાબામાં લીધો હતો.
સેન્ટ્રલ ક્રાઇમ યુનિટના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય શિંદેએ જણાવ્યું હતું કે શખસ પાસેની બેગની તલાશી લેવામાં આવતાં તેમાંથી 10 દેશી બોમ્બ મળી આવ્યા હતા.
આ પણ વાંચો : યુપીમાં લૂંટના કેસમાં ફરાર આરોપી 17 વર્ષે થાણેમાં ઝડપાયો
રાયગડ જિલ્લાના માનગાંવમાં રહેનારો આરોપી દેશી બોમ્બ વેચવા માટે થાણેમાં આવ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે બોમ્બ ઘઉંના લોટમાં છુપાવીને વેચવાના હતા અને આવા વિસ્ફોટકોનો ઉપયોગ જંગલી ડુક્કરોનો શિકાર કરવા માટે કરવામાં આવતો હતો, જે કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પ્રચલિત છે.
રાબોડી પોલીસે આ પ્રકરણે મંગળવારે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)