રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના સ્પીકર તરીકે બિનહરીફ ચૂંટાયા: ઔપચારિક જાહેરાત આજે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્ય રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, કારણ કે વિપક્ષી મહાવિકાસ આઘાડી (એમવીએ) દ્વારા સોમવારે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી જ નોંધાવવામાં આવી નહોતી.
જો કે, તેમના વિજયની ઔપચારિક જાહેરાત સોમવારે કરવામાં આવશે. આ પહેલાં નાર્વેકરે મહારાષ્ટ્ર વિધાનસભામાં અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.
આ પણ વાંચો: સપાએ એમવીએ સાથે છેડો ફાડ્યો; તો આદિત્ય ઠાકરેએ કહ્યું સપા તો ભાજપની બી ટીમ છે…
સ્પીકરની ચૂંટણી 9 ડિસેમ્બરે યોજાશે અને તે પછી દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહાયુતિ સરકારનો વિશ્ર્વાસનો મત લેવામાં આવશે જેમણે પાંચ ડિસેમ્બરે શપથ લીધા હતા.
નાર્વેકર, છેલ્લી વિધાનસભામાં પણ સ્પીકર હતા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર સાથે ઘનિષ્ઠ હતા. રાજ્ય ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટીલ પણ હાજર હતા.
આ પણ વાંચો: નંદુરબારના આ ગામમાં બેલેટ પેપરથી મતદાન શરૂ
ભાજપના વરિષ્ઠ વિધાનસભ્ય કાલિદાસ કોલંબકર 288 નવા ચૂંટાયેલા વિધાનસભ્યોને શપથ લેવડાવવા અને સ્પીકર ચૂંટાય ત્યાં સુધી વિધાનસભાની કાર્યવાહી ચલાવવા માટે વિધાનસભાના પ્રો-ટેમ સ્પીકર તરીકે સેવા આપી રહ્યા હતા. કોલંબકરને નવા ગૃહમાં સૌથી વરિષ્ઠ વિધાનસભ્ય હોવાથી પ્રો-ટેમ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા અને ગયા મહિને વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈની વડાલા બેઠક પરથી તેઓ જીત્યા હતા.