વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભા ખુરશીઓ પર રાહુલ ગાંધીનો ફોટો અને દાન માટે સ્કેનર કોડ
યવતમાળ: યવાતમાળમાં બુધવારે આયોજિત કરવામાં આવેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા એક અલગ જ કારણસર ચર્ચાના ચોતરે ચડી હતી. સભાના સ્થળે રાખવામાં આવેલી ખુરશીઓની પાછળ રાહુલ ગાંધીનો ફોટોગ્રાફ ચોંટાડવામાં આવેલો નજરે પડ્યો હતો. એ ફોટોગ્રાફ પર એક સ્કેનર કોડ પણ દેખાઈ રહ્યો હતો. ‘૧૩૮ વર્ષથી સુંદર ભારતના નિર્માણ માટે સંઘર્ષ કરી રહ્યો છું’ એવો સંદેશો આ ફોટોગ્રાફ પર છાપવામાં આવ્યો છે. સાથે દાન આપવા માટે સ્કેનર કોડ પણ આપવામાં આવ્યો છે. પરિણામે આ સભા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છે કે રાહુલ ગાંધી એ સવાલ અનેક લોકોના મનમાં રમી રહ્યો છે. ન્યૂઝ ચેનલે આપેલી માહિતી અનુસાર કેટલાક દિવસ પહેલા નાગપુરમાં કૉંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સભામાં જે કોન્ટ્રેક્ટરે ખુરશીઓ આપી હતી એ જ કોન્ટ્રેક્ટરને યવતમાળ સભામાં ખુરશીઓ આપવા કહેવામાં આવ્યું હતું. જોકે, કોન્ટ્રેક્ટરે ફોટોગ્રાફ કાઢ્યા વિના જ વડા પ્રધાન મોદીની સભામાં ખુરશીઓ મોકલતા મૂંઝવણ પેદા થઈ હતી.