Assembly Elections: પશ્ચિમ મહારાષ્ટ્ર પર કબજા માટે રાહુલ ગાંધીનો શું હશે માસ્ટરપ્લાન?

મુંબઈ: તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી(એમવીએ)નો દેખાવ નોંધપાત્ર રહ્યો હતો અને એ જ દેખાવનું પુનરાવર્તન ફરી વિધાનસભાની ચૂંટણીમાં કરવાની વેતરણમાં વિપક્ષો છે. ખાસ કરીને પશ્ચિમ મહારાષ્ટ્ર પર કબજો કરવાની તૈયારીમાં વિપક્ષો હોય તેવું જણાય છે.
હાલમાં જ એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવાર દ્વારા પશ્ચિમ મહારાષ્ટ્રમાં એક પછી એક બેઠકો લેવામાં આવી રહી છે અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ ફરી એક વખત પશ્ચિમ મહારાષ્ટ્રની મુલાકાતે આવવાના હોઇ મહાવિકાસ આઘાડી પશ્ચિમ મહારાષ્ટ્રને જીતવા માટે તમામ પ્રયત્નો કરી રહી હોવાનું જણાઇ રહ્યું છે.
જો રાહુલ ગાંધી અહીંની મુલાકાતે આવે તો આ એક જ મહિનામાં પશ્ચિમ મહારાષ્ટ્રની તેમની બીજી મુલાકાત હશે.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા તેમ જ ભૂતપૂર્વ પ્રધાન પતંગરાવ કદમના સ્મારકના અનાવરણ નિમિત્તે રાહુલ ગાંધી અહીં આવ્યા હતા.
આ પણ વાંચો : મહાવિકાસ આઘાડીની બેઠકોની વહેંચણી 3-4 દિવસમાં ફાઈનલ થશે: સુપ્રિયા સુળે
લોકસભાની ચૂંટણીમાં સાંગલી બેઠક પર ચોંકાવનારું પરિણામ જોવા મળ્યું હતું. અહીંથી અપક્ષ ઉમેદવાર વિશાલ પાટીલ ચૂંટાઇ આવ્યા હતા, જ્યાર બાદ કૉંગ્રેસે તેમને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. હવે ચોથી અને પાંચમી ઑક્ટોબરના રોજ રાહુલ ગાંધી કોલ્હાપુર જિલ્લામાં ભૂતપૂર્વ પ્રધાન તેમ જ વિધાનસભ્ય સતેજ પાટીલના કાર્યક્રમમાં હાજર રહેશે.
અહીં પહેલા દિવસે તે છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કરશે અને ત્યાર પછી તે કોલ્હાપુરના સાંસદ શાહુ મહારાજ છત્રપતિ સાથે બેઠક યોજશે. તે દરમિયાન સંવિધાન પરિષદને પણ સંબોધશે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ મહારાષ્ટ્રમાં પુણે, અહમદનગર, સોલાપુર, સાતારા, સાંગલી અને કોલ્હાપુર આ છ જિલ્લાઓનો સમાવેશ થાય છે અને વિધાનસભાની 288 બેઠકોમાંથી 70 બેઠક આ વિભાગમાં છે. 2019માં અહીં કૉંગ્રેસ અને એનસીપીને સારો એવો ટેકો મળ્યો હતો અને તેમણે 39 બેઠક પર વિજય મેળવ્યો હતો.



