ગામમાં પાર્ટીને એકેય મત મળ્યો નહીંઃ કોંગ્રેસના પ્રવક્તાએ કરી ચોંકાવનારી વાત…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસની અપેક્ષા મુજબ નથી આવ્યા. રાજ્યની ૨૮૮ બેઠકમાંથી પાર્ટીને માત્ર ૧૬ બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે ઈવીએમના કારણે મહાયુતિને આટલી મોટી જીત મળી છે. તેમનો દાવો છે કે મહારાષ્ટ્રના લોકો પણ આ પરિણામોને સ્વીકારતા નથી. આ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા રાગિણી નાયકે વીડિયો શેર કરીને વધુ એક ચોંકાવનારો દાવો કર્યો છે.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રી બહાર લગાવ્યા પોસ્ટર, હું ફરીથી લડીશ…
રાગિણી નાયકે કહ્યું કે મહારાષ્ટ્રમાં એક એવું ગામ છે જ્યાં કોંગ્રેસને એક પણ વોટ નથી મળ્યો એટલે કે તેને શૂન્ય વોટ મળ્યા. આ પછી ગામના લોકો વિરોધ કરી રહ્યા છે કે જ્યારે અમે કોંગ્રેસને જ વોટ આપ્યો છે તો આ કેવી રીતે થયું.
કોંગ્રેસના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે “આ અદ્ભુત વાત છે. આ મહારાષ્ટ્રનું એક એવું ગામ છે, જ્યાં કોંગ્રેસને ૧ મત પણ નથી મળ્યો. હવે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે કે અમે માત્ર કોંગ્રેસને જ વોટ આપ્યો છે.” દાળમાં કંઈક કાળું હોય એવું માનવામાં આવે છે પરંતુ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની આખી દાળ કાળી છે!”
જોકે, રાગિણી નાયકે પોતાની પોસ્ટમાં એ નથી જણાવ્યું કે આ વીડિયો મહારાષ્ટ્રના કયા ગામનો છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા છે. કોંગ્રેસ વિધાયક દળના નેતા બાલાસાહેબ થોરાત અને પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણ જેવા નેતાઓ તેમની બેઠકો બચાવી શક્યા નથી.
આ પણ વાંચો : વિપક્ષી નેતા પદ માટે આવશ્યક સંખ્યા પણ નથી: શરદ પવાર
જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેની જીતનું માર્જીન માત્ર 208 વોટ હતું. તેમણે સોમવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના નેતાઓના મતે પોસ્ટલ બેલેટની ગણતરી થઈ ત્યારે કોંગ્રેસ આગળ હતી, પરંતુ ઈવીએમની ગણતરી શરૂ થતાં જ અમારી પાર્ટી પાછળ રહી ગઈ.