રેડિયો ક્લબ પ્રવાસી બંદરના ખર્ચમાં વધારો થયો: ફેબ્રુઆરી-માર્ચમાં શરૂ થવાની શક્યતા
મુંબઈ: ગેટ વે ઓફ ઈન્ડિયાથી પેસેન્જર ટ્રાન્સપોર્ટની ભીડ ઓછી કરવા માટે રેડિયો ક્લબ અને એપોલો બંદર ખાતે નવું પેસેન્જર બંદર બાંધવાનો નિર્ણય મહારાષ્ટ્ર મરીન બોર્ડે લીધો છે. સમુદ્રમાં બંધાનારા બંદરમાં પ્રવાસી બોટ લાંગરવા માટેની જગ્યા બનાવવામાં આવશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટના ખર્ચમાં અંદાજે રૂ. ૬૬ કરોડનો વધારો થઇ ગયો છે. અગાઉ રૂ. ૧૬૨ કરોડનો ખર્ચ હવે રૂ. ૨૨૮ કરોડ પર પહોંચી ગયો છે. ખર્ચ સંબંધનો સુધારિત પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને નજીકના સમયમાં જ મંજૂરી મળશે અને ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૪માં કામની શરૂઆત થશે, એવું મરીન બોર્ડે જણાવ્યું હતું.
ગેટ વે ઓફ ઈન્ડિયાથી અલીબાગ અને એલિફન્ટા જતા પ્રવાસીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી હોવાથી બોટ લાંગરવા માટેની બે જગ્યા અપૂરતી જણાતી હતી. આખા વર્ષ દરમિયાન ૨૬ લાખ પ્રવાસી આવ-જા કરે છે. જ્યારે આગામી વર્ષ દરમિયાન એમાં ૧૦ ટકાનો વધારો થઇ શકે એમ છે. આ બાબતને ધ્યાનમાં મરીન બોર્ડે ગેટ વે ઓફ ઈન્ડિયા પર ધસારો ઓછો કરવા માટે રેડિયો ક્લબ ખાતે બંદર બાંધવાનો નિર્ણય લીધો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત બંદરને ઊભું કરવાના પ્રસ્તાવને કેન્દ્ર સરકારે આ પહેલાં જ મંજૂરી આપી હતી. તે અનુસાર બોર્ડે છ બોટ લાંગરી શકે એવા બંદરના બાંધકામ માટે ફેબ્રુઆરી, ૨૦૨૨માં ટેન્ડર મગાવ્યાં હતાં. જોકે એ જ સમય દરમિયાન છને બદલે બોટ લાંગરી શકે એવી ૧૦ જગ્યા બાંધવાનો નિર્ણય બોર્ડે લીધો હતો. આને કારણે કેન્દ્ર સરકારે ૬ને બદલે ૧૦ માટેનો પ્રસ્તાવ રજૂ કરવાનું જણાવ્યું હતું.