મુંબઈમાં રખડતા શ્ર્વાન માટે રેબીઝ પ્રતિબંધક વેક્સિન અભિયાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શ્ર્વાનના કરડવાને કારણે રેબીઝ જવા જીવલેણ રોગથી નાગરિકોને બચાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ‘રેબીઝમુક્ત મુંબઈ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આગામી છ મહિનામાં રખડતા શ્ર્વાસનું વેક્સિનેશન પૂરું કરવાનો ઉદ્દેષ્ય રાખવામાં આવ્યો છે.
પાલિકા જુદી જુદી પ્રાણી કલ્યાણ સંસ્થાની રેબીઝ વેક્સિનેશન અભિયાન અમલમાં મૂકશે. પ્રાણીઓથી થનારી બીમારીને ટાળવા માટે પાલિકા દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પશુવૈદ્યકીય આરોગ્ય વિભાગના પ્રમુખ ડૉ. કલીમપાશા પઠાણે જણાવ્યું હતું કે ચાર ખાનગી સંસ્થાની સાથે મળીને મુંબઈ મહાનગરપાલિકાએ પહેલી સપ્ટેમ્બર, ૨૦૨૫થી ૧૫ માર્ચ, ૨૦૨૬ સુધીના સમયગાળામાં રખડતા શ્ર્વાન માટે વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરવામાં આવવાની છે.
રખડતા શ્ર્વાનનું વેક્સિનેશન કરીને રેબીઝથી થતા માનવી મૃત્યુનું પ્રમાણ ઘટાડવા, પ્રાણી કલ્યાણ અને સમુદાયની સુરક્ષિતતા માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેથી સ્થાનિક રહેવાસી, ગૃહનિર્માણ સંસ્થા તથા પ્રાણીઓને ખાદ્ય પદાર્થ આપનારા પ્રાણી સેવકે આ ઝુંબેશમાં સહભાગી થવાની અપીલ પણ પાલિકા દ્વારા કરવામાં આવી છે.