ગાયકવાડ ગોળીબાર પ્રકરણ બાદ શસ્ત્રોના લાઇસન્સ ઉપર સવાલ
બંદૂકના સૌથી વધુ લાઇસન્સ થાણે, કલ્યાણ અને ડોંબિવલીમાં
મુંબઈ: ભાજપના વિધાનસભ્યએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના નેતા ઉપર કરેલા ગોળીબારની ઘટનાએ મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં ચર્ચા જગાવી છે. જોકે, આ ઘટના બાદ બંદૂક સહિતના શસ્ત્રો વાપરવાના લાઇસન્સ વિશે પણ સવાલ ઉઠી રહ્યા છે.
લાઇસન્સ મેળવીને શસ્ત્રો રાખનારા શસ્ત્ર ફક્ત સ્વરંક્ષણ માટે કરે છે કે પછી સ્વબચાવ ઉપરાંત પોતાનો અહમ પોષવા માટે કે પછી બીજાને ડરાવવા અને હાનિ પહોંચાડવા માટે કરે છે, એવા સવાલ લોકો પૂછી રહ્યા છે.
મળેલી માહિતી મુજબ અત્યાર સુધી સ્વરક્ષણ માટે બંદૂકનું લાઇસન્સ મેળવનારા થાણે કમિશરનરેટ ઝોનમાં જોવા મળ્યા છે. આ ક્ષેત્રમાં કુલ 4,350 જણે સ્વબચાવ માટે બંદૂકનું લાઇસન્સ મેળવ્યું છે. જ્યારે થાણે શહેર ક્ષેત્રમાં બંદૂકનું લાઇસન્સ મેળવનારાની સંખ્યા 1,900 છે.
આ સંખ્યા ડોંબિવલી અને કલ્યાણ શહેરમાં કુલ 1,300 છે. જોકે, સ્વબચાવ માટે બંદૂકનું લાઇસન્સ મેળવનારા અનેક લોકો શસ્ત્ર દુરુપયોગ કરતા હોવાની ચર્ચા હવે શરૂ થઇ છે. એટલા માટે જ પોલીસ કમિશનર આશુતોષ ડુંબરેએ અધિકારીઓને શસ્ત્રનું લાઇસન્સ મેળવનારાઓની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે જમીનના વિવાદને પગલે ભાજપના વિધાનભ્ય ગણપત ગાયકવાડે પોતાની પાસે રહેલી લાઇસન્સવાળી બંદૂકથી શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડને છ ગોળીઓ મારી હતી. મહેશ ગાયકવાડ એ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર તેમ જ સાંસદ શ્રીકાંત શિંદેના અત્યંત નજીકના માનવામાં આવે છે.
બંદૂક રાખવાનું લાઇસન્સ આ રીતે મળે છે
બંદૂકનું લાઇસન્સ મેળવવા માટે શરૂઆતમાં પોલીસના લાઇસન્સ ડિપાર્ટમેન્ટને અરજી કરવી પડે છે. ત્યારપછી આ અરજી સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલાવાય છે. જ્યાં તે વ્યક્તિનો ગુનાહિત ભૂતકાળ છે કે નહીં, તેને ખરેખર જીવનું જોખમ છે કે નહીં વગેરે માહિતી મેળવવામાં આવે છેે અને ત્યારબાદ ડેપ્યુટી કમિશનરને અરજી મોકલાવીને તેની મંજૂરી મેળવાય છે. આ લાઇસન્સને દર વર્ષે રિન્યુ કરાવવા માટે 2,100 રૂપિયાની રકમ ભરવી પડે છે.
ક્યા શહેરમાં કેટલા બંદૂકના લાઇસન્સધારી?
થાણે: 1,900
ભિવંડી: 450
ડોંબિવલી, કલ્યાણ: 1,300
ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર- 700
કુલ: 4350